આજે અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની 12મી મેચમાં ક્રિકેટની બે કટ્ટર હરીફ ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ વર્લ્ડ કપમાં અમદાવાદ સહિત 10 શહેરોમાં 48 મેચોનુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિશ્વ ક્રિકેટના આ સૌથી મોટા સ્ટેડિયમમાં અનેક રેકોર્ડ બન્યા છે જેમાંથી કેટલાક યાદગાર રેકોર્ડ પણ છે. ભારત આ સ્ટેડિયમમાં કુલ 18 વનડે મેચ રમી છે તેમાથી 10 મેચમાં વિજય થયો છે.
આ સ્ટેડિયમ 1982માં તૈયાર થયુ હતું
આ સ્ટેડિયમ 1982માં બનીને તૈયાર થયુ હતું જેનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા રાખવામાં આવ્યું હતું. અહીં 1983માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચના રૂપમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1984માં પ્રથમ વનડે મેચ રમાઈ હતી. આ સ્ટેડિયમનું 2015માં ફરીથી પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું અને બાંધકામ ત્રણ વર્ષ પહેલા પૂર્ણ થયું હતું. આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું છે જેમાં 1 લાખ 32 હજાર જેટલા પ્રેક્ષકો બેસી શકે છે.
અમદાવાદમાં સુનીલ ગાવસ્કરે ટેસ્ટમાં 10 હજાર રન પુરા કર્યા હતા
પાકિસ્તાન સામે 7 માર્ચ, 1987ના રોજ રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતના લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે 63 રનની ઈનિંગ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રનનો આંકડો પાર કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ સીમાચિહ્ન સુધી પહોંચનાર ગાવસ્કર વિશ્વના પ્રથમ બેટ્સમેન બન્યા હતા.
કપિલ દેવે અહીં જ હેડલીનો રેકોર્ડ તોડ્યો હતો
ભારતને પહેલો વિશ્વ કપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવે 1994માં અમદાવાદના સ્ટેડિયમમાં જ શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડીને વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બન્યા હતા. હેડલીના નામે 431 વિકેટ હતી. હસન તિલકરત્ન કપિલનો 432મો શિકાર બન્યો હતો.
સચિને પહેલી બેવડી સદી ફટકારી હતી
ભારતના પુર્વ ક્રિકેટર અને દિગ્ગજ બેટર સચિન તેંડુલકરના નામે અનેક રેકોર્ડ છે ત્યારે સચિને અમદાવાદમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પહેલી બેવડી સદી ફટકારી હતી. વર્ષ 1999માં ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટ દરમિયાન સચિન તેંડુલકરે તેમની કારકિર્દીની સૌપ્રથમ બેવડી સદી ફટકારી હતી. એ વખતે તેણે 217 રન ફટકાર્યા હતા.
રાહુલ દ્રવિડે આ મેદાનમાં 11 હજાર રન પુરા કર્યા હતા
આ સ્ટેડિયમનો એક રેકોર્ડ હાલના ભારતીય ટીમના કોચ અને પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડના નામે પણ છે. રાહુલ ડ્રવિડે 2009ના એપ્રિલમાં આ મેદાન પર જ શ્રીલંકા સામેની ટેસ્ટમાં 177 રન ફટકારીને તેમની કારકિર્દીના 11000 રન પૂરા કર્યા હતા. આ સાથે જ તેણે સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો હતો.
મોહમ્મદ અઝહરુદ્દીન
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્ષ 1996ના આ મેદાન પર ટેસ્ટ રમાઈ હતી. આ મેચ સાથે મોહમ્મદ અઝહરુદ્દીન એવા પ્રથમ ક્રિકેટર બન્યા હતા, જે તમામ દેશ સામે પોતાના દેશમાં અને એ દેશના મેદાન પર ટેસ્ટ રમ્યા હોય.