એકતાનગર ખાતે આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવવા માટે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું છે. આઇએચસીએલ દ્વારા શરૂ કરવામાં આવેલા આ કૌશલ્ય વર્ધન કેન્દ્ર થકી પ્રતિવર્ષ ૧૨૦ આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે. જીએમઆર બાદ એકતાનગરમાં આ બીજું કૌશલ્યવર્ધન કેન્દ્ર છે. જેમાં ટાટા ગ્રુપનો સહયોગ મળ્યો છે. ડો. જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની દેશવિદેશના પ્રવાસીઓની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે યુવાનોને હોસ્પિટાલિટીની તાલીમની આવશ્યક્તાઉપર ભાર મૂક્યો હતો.
એકતાનગર ખાતે યોજાયેલા ઉદ્દઘાટન કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી ડો. જયશંકરે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બહોળો વિકાસ કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વિઝન મહત્વપૂર્ણ છે. હું જ્યારે પ્રથમ વખત ગુજરાતમાંથી રાજ્યસભાનો સાંસદ બન્યો હતો, ત્યારે વડાપ્રધાન એ મને નર્મદા જિલ્લાની મુલાકાત લેવા સૂચવ્યું હતું. આ પાંચ વર્ષના સમયગાળામાં નર્મદા જિલ્લાનો વિકાસ ઉડીને આંખે વળગે એવો છે.
વિદેશી પ્રવાસીઓમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા વધી રહી છે. વર્ષ ૨૦૨૨માં વિદેશ મંત્રાલય દ્વારા એકતાનગર ખાતે વિવિધ દેશના રાજદૂતોની પરિષદ યોજવામાં આવી હતી. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘના વડા શ્રીયુત ગુટરોસની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નું મહત્વાકાંક્ષી મિશન લાઇફ લોંચ કરવામાં આવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના વિકાસથી અનેક આદિવાસી પરિવારો માટે ઘર આંગણે રોજગારીના અવસર મળ્યા છે. અર્થોપાર્જન થકી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે અને તે જોઇ શકાય છે. આદિવાસી ક્ષેત્રમાં આવા મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળને કારણે હોટેલ ઉદ્યોગ વિકસી રહ્યો છે. આવા સમયે આ સ્કીલ સેન્ટર આદિવાસી યુવાનો માટે ફાયદાકારક બનશે.
સ્કીલ સેન્ટરના પ્રાયોજક શ્રી પૂનિટ છટવાલે કહ્યું કે, આઇસીએચએલ દ્વારા સમગ્ર દેશમાં આવા ૩૨ સ્કીલ ડેવલપેમન્ટ સેન્ટરનું સંચાલન કરવામાં આવે છે અને પ્રતિવર્ષ અનેક તાલીમાર્થીઓને તેનો લાભ મળે છે. એકતાનગર ખાતે પ્રારંભિક તબક્કે ૧૨૦ યુવાન, યુવતિઓને તાલીમ આપવામાં આવશે. જેમાં ૧૨ સપ્તાહ માટે ક્લાસરૂમમાં અને ચાર સપ્તાહ માટે ઓન ફિલ્ડ તાલીમ આપવામાં આવશે. જે બાદ પ્લેસમેન્ટમાં મદદ કરવામાં આવશે.
મહાનુભાવાઓએ કૌશલ્ય કેન્દ્રનું ઉદ્દઘાટન કરી તેની મુલાકાત પણ લીધી હતી. અહીં રહેલા તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધી કેવા પ્રકારે તાલીમ આપવામાં આવે છે ? તે બાબતની માહિતી જાણી હતી.
બાદમાં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે જીએમઆર તાલીમ કેન્દ્રની સાવ આકસ્મિક મુલાકાત લીધી હતી અને અહીં ક્લાસરૂમમાં જઇ છાત્રો સાથે સંવાદ સાધ્યો હતો.
આ વેળાએ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઇ તડવી, કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારી રવિકુમાર અરોડા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિતના આઇસીએચએલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.