કપડવંજ રૂરલ પોલીસે સાવલી પાટિયા પાસેથી ૪,૧૮,૫૦૦ના ચાઈનીઝ દોરીના જથ્થા સાથે કુલ રૂ. ૧૧,૨૮,૫૦૦ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી છે.
ઉતરાયણ નજીક આવતી હોવાથી પતંગ અને દોરીનો હોલસેલનો ધંધો શરૂ થઈ ગયો છે. વાહન ચાલકો અને રાહદારીઓને ઈજાઓ સાથે જાનહાની કરતી ચાઈનીઝ દોરી પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે કપડવંજ તાલુકાના સાવલી પાટીયા પાસેથી પસાર થતી આઈસરમાંથી કપડવંજ રૂરલ પોલીસે ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મનુભાઈને બાતમી મળી હતી કે ડાકોર- લાડવેલ ચોકડી તરફથી કપડવંજ તરફ એક આઈસર ગાડી નં. જી જે ૦૭ વી ડબલ્યુ ૭૯૪૦ માં બોક્ષમાં ચાઈનીઝ દોરી ભરીને આવે છે.તેવી બાતમીના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર.ચૌધરીની સુચના અનુસાર અ.હેડ.કો.ભારતસિંહ, પો.કો.મનુભાઈ તથા પો.કો. હાર્દિકભાઈનાઓ સાવલી પાટિયા પાસે વોચમાં હતા.દરમિયાન ઉપરોક્ત હકીકતવાળી આઈસર ગાડી આવતા તેને શંકાને આધારે અટકાવી હતી.જેમાં સવાર મોહંમદ સિદ્દીક સીરાજમીયા મલેક રહે. સંધાણા, જમાલપુર,તા.માતર,જિ.ખેડા તથા અન્ય ઇસમ મોહસીનખાન અનવરખાન પઠાણ રહે. ભાલેજ, તા.ઉમરેઠ, જિ.આણંદનાઓ હોવાનું જણાવ્યું હતું. સદર આઈસરની તપાસ કરતા તેમાં કુલ-૩૫ બોક્ષ મળી આવ્યા હતા.જેમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના બોક્ષ મળી આવ્યા હતા.જે ચાઈનીઝ દોરીના ફીરકા ઉપર નોટ યુઝ ફોર કાઈટ ફ્લાઈંગ લખેલા ચાઈનીઝ દોરીના બોક્ષ મળી આવ્યા હતા.જે બોક્ષમાં ચાઈનીઝ દોરીના ૧૬૪૭ ફીરકા જેની કિ.રૂ. ૪.૧૮,૫૦૦, મોબાઈલ ફોન નંગ-ર કિ.રૂ.૧૦,૦૦૦ તથા આઈસર ગાડીની કિં.રૂ.૭,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧૧,૨૮, પ૦૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના સુત્રોએ આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તથા પોલીસે સદરહુ ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી લાવ્ય હતા અને ક્યાં લઈ જવાતો હતો તેની પણ તપાસ હાથ ધરી છે.