સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ પ્રોગ્રામ લંબાવ્યો છે. હવે છ વધુ દેશોના માન્ય વિઝા, રહેઠાણ પરમિટ અને ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહિનાથી જ તેનો અમલ શરૂ થઈ ગયો છે. સિંગાપોર, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડાના માન્ય દસ્તાવેજો ધરાવતા ભારતીય પાસપોર્ટ ધારકો પણ યુએઈમાં આગમન પર વિઝા મેળવવા માટે પાત્ર બનશે. વિઝા ઓન અરાઇવલ એ એક સુવિધા છે જેના હેઠળ પ્રવાસી વિઝા ન હોવા છતાં પણ દેશમાં પ્રવેશી શકે છે. આ સુવિધા વિદેશ યાત્રાને સરળ બનાવે છે.
યુએઈના આ પગલાથી દુબઈ અને અબુધાબી જેવા શહેરોમાં ભારતીયો માટે રહેઠાણ અને રોજગારની તકો વધશે. આનાથી UAE ને વૈશ્વિક હબ તરીકે મજબૂત બનાવવામાં પણ મદદ મળશે. અગાઉ UAEમાં, આ નીતિ ફક્ત યુએસ, યુરોપિયન સંઘના દેશો અને યુકેના માન્ય દસ્તાવેજો ધરાવતા ભારતીય નાગરિકોને જ લાગુ પડતી હતી. હવે UAE એ આ કાર્યક્રમનો વિસ્તાર કરીને છ દેશોનો સમાવેશ કર્યો છે – સિંગાપોર, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા. આનાથી આ દેશોમાં રહેતા અથવા કામ કરતા ભારતીયો માટે UAE મુસાફરી કરવાનું સરળ બનશે.
વિઝા પાત્રતા શું હશે?
યુએઈમાં વિઝા ઓન અરાઈવલ માટે પાત્ર બનવા માટે, પ્રવાસીઓ પાસે ઓછામાં ઓછી છ મહિનાની માન્યતા ધરાવતો સામાન્ય પાસપોર્ટ હોવો આવશ્યક છે. તેમણે UAE ના નિયમો અનુસાર લાગુ વિઝા ફી ચૂકવવાની રહેશે. UAEમાં 14 દિવસના રોકાણ માટે વિઝા ફી 100 દિરહામ છે. આને 250 દિરહામના ખર્ચે વધારાના 14 દિવસ માટે લંબાવી શકાય છે. આ ઉપરાંત, 250 દિરહામમાં 60 દિવસનો વિઝા પણ મેળવી શકાય છે.
આ પહેલનો ઉદ્દેશ્ય ભારતીયો માટે UAE આવવાનું સરળ બનાવવાનો છે. આનાથી UAE ના પ્રવાસન અને અર્થતંત્રને પણ મદદ મળશે. UAE નાગરિકતા, કસ્ટમ્સ અને બંદર સુરક્ષા માટે જવાબદાર સંસ્થા ICP એ જણાવ્યું હતું કે તે ટોચની વૈશ્વિક પ્રતિભા અને ઉદ્યોગસાહસિકોને આકર્ષિત કરશે. આ નિર્ણયથી કુશળ વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકોને યુએઈમાં તકો શોધવા માટે પ્રોત્સાહિત કરવાની અપેક્ષા છે.
ભારતે યુએઈ સહિત અનેક દેશો સાથે રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે વિઝા મુક્તિ કરારો પર પણ હસ્તાક્ષર કર્યા છે. તે આવા પાસપોર્ટ ધારકોને 90 દિવસ સુધીના રોકાણ માટે વિઝા જરૂરમાંથી મુક્તિ આપે છે. જે મોટાભાગે સરકારી અધિકારીઓ અને રાજદ્વારીઓ માટે છે જેઓને સત્તાવાર કામ માટે મુસાફરી કરવાની રહે છે.