દેશભરમાં નીટ પરીક્ષાને લઈને ચાલતાં વિવાદ વચ્ચે પેપર લીક અને ગેરરીતિઓના મુદ્દે 18મી જૂનના રોજ લેવાયેલી યુનિવર્સિટીઝ અને કોલેજોમાં પ્રોફેસર બનવા માટેની યુજીસી-નેટ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે.
ગત તા.18મી જૂને દેશના વિવિધ શહેરોમાં બે સેશનમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા પૂરી થયા બાદ આજે તા.19મી જૂનના રોજ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ને પરીક્ષા અંગે ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ તરફથી ચોક્કસ ઇનપુટ મળ્યા હતા. આ ઇનપુટ્સ પ્રાથમિક દ્રષ્ટિએ સૂચવે છે કે ઉપરોક્ત પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા હોઈ શકે છે.
પરીક્ષા પ્રક્રિયાની સર્વોચ્ચ સ્તરની પારદર્શક્તા સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂનની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં નવેસરથી પરીક્ષા લેવા અંગેની જાહેરાત કરવામાં આવશે. આ સાથે જ આ મામલાની સંપૂર્ણ તપાસ માટે આ મામલો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવી રહ્યો છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવામાં આવતી વધુ એક પરીક્ષા ગેરરીતિન પગલે વિવાદમાં આવી છે. હાલમાં મેડિકલ માટેની નીટને લઇને સમગ્ર દેશમાં ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે યુજીસી-નેટ રદ કરતાં સમગ્ર દેશમાં મેડિકલ માટેની નીટ રદ કરવામાં આવી હોવાની વાતો વહેતી થતાં ભારે ચકચાર મચી ગઇ હતી.