નડિયાદના યોગી ફાર્મ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત કૃષિ મેળો યોજાયો હતો. જેમાં જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નડિયાદના નરસંડા ગામના ખેડૂત ઉમેશગીરી શૈલેષગીરી ગોસ્વામીને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રાજ્યકક્ષા બેસ્ટ આત્મા ફાર્મર તરીકે પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખેડૂત ઉમેશગીરીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૯ વર્ષોથી તેમની ૪૦ વીઘા જમીનમાં વિવિધ શાકભાજી, ફળ અને ધાન્ય પાકો વગેરેનું સીઝન પ્રમાણે વાવેતર કરી રહ્યા છે. તેઓ ખેતપેદાશોનું મૂલ્ય વર્ધન કરીને વેચાણ કરે છે. રાજ્યકક્ષા બેસ્ટ આત્મા ફાર્મર તરીકે સન્માન થવા બદલ તેઓએ સરકારનો આભાર માન્યો હતો અને જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી.