ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક પદ્મશ્રીમનોજ કુમારનું આજે શુક્રવારે સવારે નિધન થયું છે. તેઓએ 87 વર્ષની ઉંમરે આજે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ તેમની દેશભક્તિ વાળી ફિલ્મો માટે જાણીતા હતા. દેશભક્તિ પર આધારિત ફિલ્મો માટે તેમને ‘ભરત કુમાર’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
તેમના નિધનના સમાચાર સાંભળતા જ બોલીવુડ જગતે પોતાની પ્રતિક્રિયા આપવાની શરૂ કરી હતી. મનોજ કુમારના નિધન પર ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કહ્યું, ‘… મહાન દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા, આપણા પ્રેરણા અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના ‘સિંહ’, મનોજ કુમારજી હવે આપણી વચ્ચે નથી. આ ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે અને સમગ્ર ઉદ્યોગ તેમની ખોટ અનુભવશે.
સાચું નામ હરિ કિશન ગિરી ગોસ્વામી
હિન્દી સિનેમામાં ઘણા એવા કલાકારો છે જેમણે આ ગ્લેમરસ દુનિયામાં પ્રવેશતાની સાથે જ પોતાના નામ બદલી નાખ્યા. તેમના ચાહકો તેમને આજ સુધી તે નવા નામથી ઓળખે છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર પણ તેમાંથી એક હતા જેમણે સિનેમાથી પ્રભાવિત થઈને પોતાનું નામ બદલ્યું. પરંતુ તેમણે કરેલી દેશભક્તિ આધારિત ફિલ્મો પરથી તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભારત કુમાર’ કહેતા. મનોજ કુમારનું સાચું નામ હરિકિશન ગિરી ગોસ્વામી હતું. તેમણે ઘણી શાનદાર દેશભક્તિ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા હતા.
હરિકિશન બન્યા મનોજકુમાર
હરિકિશન ગિરિ ગોસ્વામી (મનોજ કુમાર)નો જન્મ 24 જુલાઈ 1937ના રોજ એબોટાબાદમાં થયો હતો. જે ભાગલા પછી પાકિસ્તાનનો ભાગ બન્યો. મનોજ કુમારના માતા-પિતાએ તે દિવસોમાં ભારત પસંદ કર્યું અને દિલ્હી આવ્યા. તેમને બાળપણથી જ અભિનયનો ખૂબ શોખ હતો. તે અશોક કુમાર, દિલીપ કુમાર અને કામિની કૌશલના મોટા ચાહક હતા. તેમને તેમની દરેક ફિલ્મ જોવાનું ખૂબ ગમતું હતું અને તેમની ફિલ્મોથી પ્રભાવિત થઈને તેમણે પોતાનું નામ હરિકિશનથી બદલીને મનોજ કુમાર રાખ્યું. તે દરેક જગ્યાએ પોતાનું નામ મનોજ કુમાર કહેતા અને આમ તેઓ હરિ કિશનમાંથી મનોજ કુમાર થયા.
સિનેમામાં પ્રવેશ
મનોજ કુમાર કોલેજના દિવસોમાં ખૂબ જ સુંદર દેખાતા હતા અને આ કારણે જ તેઓ કોલેજમાં થિયેટરમાં જોડાયા અને પછી એક દિવસ તેમણે દિલ્હીથી મુંબઈનો રસ્તો પસંદ કર્યો. તેમણે 1957 માં આવેલી ફિલ્મ ‘ફેશન’ થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેમની ફિલ્મ ‘કચ્છી કી ગુડિયા’ 1960 માં રિલીઝ થઈ. આ ફિલ્મમાં તેઓ મુખ્ય અભિનેતા તરીકે દેખાયા. જે સફળ રહી. મનોજ કુમારે ‘ઉપકાર’, ‘પત્થર કે સનમ’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘સન્યાસી’ અને ‘ક્રાંતિ’ જેવી અદ્ભુત ફિલ્મો આપી. મોટાભાગની ફિલ્મોમાં મનોજ કુમારનું નામ ‘ભારત કુમાર’ હતું અને આ કારણે તેઓ તેમના ચાહકોમાં ‘ભારત કુમાર’ તરીકે પ્રખ્યાત થયા.
જ્યારે શાસ્ત્રીજીના કહેવા પર બનાવી ફિલ્મ
મનોજ કુમારના કલાકારો તેમજ રાજકારણીઓ સાથે સારા સંબંધો હતા. 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધ પછી મનોજ કુમાર લાલ બહાદુર શાસ્ત્રીને મળ્યા જેમાં તેમણે અભિનેતાને યુદ્ધને કારણે થતી મુશ્કેલીઓ પર ફિલ્મ બનાવવા કહ્યું હતું. જોકે, તે દિવસો સુધી અભિનેતાને ફિલ્મ નિર્માણનો કોઈ અનુભવ નહોતો.આમ છતાં અભિનેતાએ ‘જય જવાન જય કિસાન’ સંબંધિત ફિલ્મ ‘ઉપકાર’ બનાવી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી. જોકે લાલ બહાદુર શાસ્ત્રી પોતે આ ફિલ્મ જોઈ શક્યા નહીં. લાલ બહાદુર શાસ્ત્રી તાશ્કંદથી પાછા ફર્યા બાદ આ ફિલ્મ જોવાના હતા પરંતુ તે પાછા ફર્યા જ નહીં.
કટોકટી પર ડોક્યુમેન્ટરી બનાવવા કર્યો ઇનકાર
એવું કહેવાય છે કે મનોજ કુમારને કટોકટી પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ દિગ્દર્શિત કરવાની ઓફર કરવામાં આવી હતી. આ વાર્તા અમૃતા પ્રીતમે લખી હતી. પરંતુ તેણે આ કામ કરવાની પણ ના પાડી. જો કે આટલેથી આ વાત અટકી નહીં તેમણે તો ડિરેકટશન માટે ના પાડી જ પરંતુ લેખિકા અમૃતા પ્રીતમને પણ કહ્યું કે શું તેમણે લેખક તરીકે સમાધાન કરી લીધું છે? અને અમૃતા પ્રીતમને આ વાતનું લાગી આવતા તેમણે પણ સ્ક્રિપ્ટ ફાડીને ફેંકી દીધી.