હરિયાણાના નૂહમાં આજે ફરી તંગદિલીપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે બ્રજમંડળ જળાભિષેક યાત્રા (શોભાયાત્રા) ને આગળ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને તંત્રએ પરવાનગી આપવાની ના પાડી દીધી છે. જેની સામે વિહિપે કહ્યું છે કે અમને કોઈની પરવાનગીની જરૂર નથી. જેના પગલે સ્થિતિ તણાવપૂર્ણ બની છે અને આ જ કારણે ફરી હિંસા ભડકે તેવી આશંકા સેવાઇ રહી છે.
નૂહ અને પલવલમાં કલમ 144 લાગુ
તંત્રએ આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દીધી છે. નૂહ અને પલવલમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ગુરુગ્રામ, રેવાડી, ફરીદાબાદ વગેરે પાડોશી જિલ્લાઓમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. નૂહની તમામ સરહદોને સીલ કરી દેવામાં આવી છે જેથી બીજા કોઈપણ બહારના લોકો અહીં આવી ના શકે.
સીએમ ખટ્ટરે કરી આ અપીલ
બીજી બાજુ હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે લોકોને અપીલ કરી હતી કે સાવનના છેલ્લા સોમવારે તેમના ઘરે જ ભગવાન ભોલેનાથના મંદિરે જઈને જ પ્રાર્થના અને જળાભિષેક વગેરે કરે. કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી સૌ કોઈની છે. કોઈપણ વ્યક્તિ એવું ના કરે કે જેનાથી કાયદો વ્યવસ્થામાં અવરોધ આવે અને લોકોને તકલીફ પડે.
પોલીસની 10 અને અર્ધસૈનિક દળોની 20 કંપનીઓ તહેનાત
પોલીસની 10 અને અર્ધસૈનિક દળોની 20 કંપનીઓ પહેલાથી જ અહીં તહેનાત છે. બે હજાર વધારાના પોલીસ કર્મીઓને પણ ખડે પગે રખાયા છે. તમામ નાકા પર રેપિડ એક્શન ફોર્સ તથા પોલીસની મહિલા ટુકડી તહેનાત રહેશે. બીજા જિલ્લાઓને પણ શાંતિ જાળવી રાખવાની અપીલ કરાઈ છે અને નૂહ સાથેની સરહદોને સીલ કરવા કહેવાયું છે.