ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ માસની બીજી તારીખે ઉજવવામાં આવે છે. આ યાત્રામાં વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથને તેમના ગર્ભગૃહમાંથી બહાર કાઢીને યાત્રા કરાવવામાં આવે છે. ભગવાન જગન્નાથની સાથે ભગવાન કૃષ્ણ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને પણ રથમાં મુસાફરી કરાવવામાં આવે છે. આ તહેવાર 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે.
ઓડિશામાં પુરીની રથયાત્રા સૌથી પ્રસિદ્ધ છે. પુરાણોમાં જગન્નાથ પુરીને પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવ્યું છે. બ્રહ્મા અને સ્કંદ પુરાણ અનુસાર, ભગવાન વિષ્ણુ પુરીમાં પુરૂષોત્તમ નીલમાધવ તરીકે અવતર્યા હતા. અહીં તેઓ સાબર જાતિના સર્વોચ્ચ દેવતા બન્યા. સાબર જાતિના દેવતા હોવાના કારણે અહીં ભગવાન જગન્નાથનું સ્વરૂપ આદિવાસી દેવતાઓ જેવું છે. ઓડિશાના જગન્નાથ મંદિરનો મહિમા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પ્રસિદ્ધ છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા માટે બલરામ, શ્રી કૃષ્ણ અને દેવી સુભદ્રા માટે ત્રણ અલગ-અલગ રથ બનાવવામાં આવે છે. રથયાત્રાના આગળના ભાગમાં બલરામનો રથ છે, ત્યારબાદ દેવી સુભદ્રાનો રથ મધ્યમાં છે અને ભગવાન જગન્નાથનો રથ પાછળ છે. તે તેમના રંગ અને ઊંચાઈ દ્વારા ઓળખાય છે.
પુરીમાં બનેલું જગન્નાથ મંદિર ભારતના હિંદુઓના ચાર ધામોમાંનું એક છે. આ ધામ 800 વર્ષથી વધુ જૂનું હોવાનું મનાય છે. ભગવાન જગન્નાથનો નંદીઘોષ રથ 45.6 ફૂટ ઊંચો છે, બલરામજીનો તાલધ્વજ રથ 45 ફૂટ ઊંચો છે અને દેવી સુભદ્રાનો દર્પદલન રથ 44.6 ફૂટ ઊંચો છે.
રથયાત્રાની પરંપરા કયારથી શરૂ થઇ ?
ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા પાછળ કેટલીક લોકવાયકાઓ છે. જેમાં કહેવાયા મુજબ દ્વારકામાં કૃષ્ણની રાણીઓ દ્વારા બલરામની માતા રોહિણીને કૃષ્ણ ભગવાનની રાસલીલાઓ અંગે વાત કરવાનું કહેવામાં આવે છે. આ માટે માતા રોહિણી નનૈયા કરે છે. પરંતુ રાણીઓ પોતાની જિદ્દ પર અડગ રહે છે. આખરે માતા રોહિણી રાણીઓની વાત માની જાય છે. પરંતુ માતા રોહિણીને ભગવાન કૃષ્ણની બહેન સુભદ્રા સામે રાસલીલાની વાત કહેવી યોગ્ય લાગતી નથી. જેથી માતા રોહિણી ભગવાન, બહેન સુભદ્રા અને બલરામને નગરમાં ફરવા માટે મોકલી દે છે. આ દરમિયાન નારદમુનિ ધરતી પર પ્રગટ થાય છે. અને ભગવાનની નગરયાત્રા જોઇને પ્રસન્ન થાય છે. અને, નારદમુનિ ભગવાનની યાત્રા અંગે પ્રાર્થના કરે છે. જે ફળિભૂત થાય છે. જેથી દર વરસે ભગવાન જગન્નાથની યાત્રા યોજવામાં આવે છે.
બીજી વાર્તા એવી પણ છેકે બહેન સુભદ્રા પિયરમાં આવે છે. ત્યારે બહેન નગરયાત્રાએ જવાની ઇચ્છા દર્શાવે છે. અને બહેનની ઇચ્છાઓને પૂર્ણ કરવા ભગવાન ભાઇ અને બહેન સાથે નગરમાં ફરવા નીકળે છે. ત્યારથી રથયાત્રાના પર્વની ઉજવણીની પરંપરા હોવાનું મનાય છે.
એક માન્યતા એવી પણ છેકે મામા કંસના વધ બાદ ભગવાન કૃષ્ણ ભાઇ અને બહેન સાથે મથુરાની પ્રજાના દર્શન માટે નીકળે છે. જે બાદથી રથયાત્રાની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે એવું પણ કહેવાય છેકે ભગવાન કૃષ્ણના માસીએ ત્રણેય ભાઇ-બહેનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું. અને ત્રણેય ભાઇ-બહેન માસીના ઘરે 10 દિવસ રહેવા જાય છે. જે બાદથી પણ રથયાત્રાની પરંપરા હોવાનું માનવામાં આવે છે.