દિલ્હી હાઈકોર્ટે પતિ-પત્ની વચ્ચેના સંબંધોને લઈને એક ચુકાદામાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. પતિએ તેની પત્નીથી એમ કહેતા છુટાછેડાની માગ કરી હતી કે તેની પત્ની તેને ઘરજમાઈ બનાવી રાખવા માગે છે અને તેની સાથે શારીરિક સંબંધો બાંધવા પણ તૈયાર નથી. એટલે કોર્ટે કહ્યું કે પતિ કે પત્ની દ્વારા તેના સાથીને સંબંધ બાંધવાની ના પાડવી એ માનસિક ક્રૂરતા ગણાય.
કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો
જોકે કોર્ટે આ મામલે આગળ કહ્યું કે જીવનસાથીને શારીરિક સંબંધની ના પાડી દેવી એ માનસિક ક્રૂરતા તો છે જ પણ એ ક્રૂરતા ત્યારે ગણાશે જ્યારે એક સાથીએ લાંબા સમય સુધી જાણીજોઈને આવું કર્યું હોય. આ મામલે એવું નથી એટલા માટે કોર્ટે પતિની તરફેણમાં આવેલા નીચલી કોર્ટના ચુકાદાને રદ કરી દીધો જેમાં બંનેના છુટાછેડાને મંજૂરી આપવામાં આવી હતી.
કોર્ટે કહી મોટી વાત
કોર્ટે કહ્યું કે આ ખૂબ જ સંવેદનશીલ કેસ છે. કોર્ટે આવા કેસ પર સુનાવણી વખતે સાવચેત રહેવાની જરૂર છે. વિવાહિત જોડા વચ્ચે સામાન્ય મતભેદ અને વિશ્વાસના અભાવને માનસિક ક્રૂરતા ન કહી શકાય. પતિએ પત્ની દ્વારા માનસિક ક્રૂરતાને લીધે તલાકની માગ કરી આરોપ મૂક્યો કે તેને સાસરિયામાં તેની સાથે રહેવામાં કોઈ રસ નથી અને તે ઈચ્છતી હતી કે તેનો પતિ તેની સાથે ઘર જમાઈ બનીને રહે.