મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે ગાંધીનગર ખાતે ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન કરવામાં આવ્યું. આ મોડ્યુલનો મુખ્ય હેતુ જિલ્લા અને તાલુકા સ્તરે માસ્ટર ટ્રેનરોને તૈયાર કરવાનો છે, જે પછી રાજ્યભરની બાલિકા પંચાયતની બાલિકાઓને સુવ્યવસ્થિત તાલીમ આપશે. ગુજરાત દેશમાં સૌથી પહેલું રાજ્ય છે, જેણે બાલિકા પંચાયત જેવી અનોખી પહેલ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય કિશોરીઓમાં નેતૃત્વ, આત્મવિશ્વાસ અને સામાજિક જાગૃતિનો વિકાસ કરવો છે.
ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું કે, સમાજ નિર્માણમાં મહિલા-બાલિકાઓની ભૂમિકાને વધુ મજબૂત બનાવવા આ પહેલ અત્યંત મહત્વપૂર્ણ છે. તાલીમ મોડ્યુલ દ્વારા ‘સક્ષમ બાલિકા, સશક્ત ગુજરાત’ની દિશામાં મોટું પગલું ભરાયું છે. હાલમાં રાજ્યમાં 13,000થી વધુ બાલિકા પંચાયતો કાર્યરત છે, જેમાં 1 લાખથી વધુ દીકરીઓ સક્રિય સહભાગી બની રહી છે. બાકીની 1,500થી વધુ પંચાયતને પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેથી વધુ બાલિકાઓને નેતૃત્વના અવસર મળી રહે.
UNICEFના સહયોગથી તૈયાર થયેલ આ તાલીમ મોડ્યુલમાં કિશોરી વિકાસ સાથે જોડાયેલા અગત્યના મુદ્દાઓનો સમાવેશ છે—જેમ કે પોષણ, એનીમિયા, લિંગભેદ, નેતૃત્વ, પંચાયતી રાજ વ્યવસ્થા, બાળ અધિકારો, સુરક્ષા-સંરક્ષણના કાયદા અને કિશોરાવસ્થાના શારીરિક-માનસિક ફેરફારો. મહિલા અને બાળ વિકાસ સચિવ રાકેશ શંકરે પણ તાલીમ મોડ્યુલ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું.
‘બાલિકા પંચાયત’ની શરૂઆત 2021-22માં કચ્છના ત્રણ ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે થઈ હતી—કુનરીયા, મોટા અંગિયા અને મસ્કા. આ અનોખી પહેલની સફળતા બાદ આખા રાજ્યમાં તેને અમલી બનાવવામાં આવી છે. આ યોજના દ્વારા માત્ર બાલિકાઓમાં જ નહિ, સમગ્ર સમાજમાં દીકરીઓ પ્રત્યેની માનસિકતા, સુરક્ષા, શિક્ષણ અને સમાન અધિકાર અંગે સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે.
આ પહેલથી બાલિકાઓમાં પ્રજાતાંત્રિક મૂલ્યો, સામાજિક સમાનતા, સ્વાવલંબન તથા શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધશે અને ભવિષ્યમાં તેઓ સમાજના મુખ્ય નિર્ણયોનું નેતૃત્વ કરી શકે તેવો મજબૂત આધાર મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel