રાજ્યમાં ફેક્ટરીઓ અને કોમર્શિયલ એકમોમાં મહિલાઓ નાઈટ શિફ્ટમાં કામ કરી શકે તે માટે સરકાર કાયદામાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે. કાયદાની હાલની જોગવાઈઓ હેઠળ, મહિલાઓને ફક્ત સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી જ કામ કરવાની પરવાનગી છે.
રાજ્ય સરકારના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, આ માટે એક વટહુકમ તૈયાર કરવામાં આવ્યો છે. કાયદા વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. ફેક્ટરીઓમાં નાઈટ શિફ્ટમાં કામ કરવાની મહિલાઓને મંજૂરી આપતો વટહુકમ આગામી થોડા દિવસોમાં બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે.
મહિલા કાર્યબળને સશક્ત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલ સૂત્રોના કહેવા પ્રમાણે, મહિલા કાર્યબળને સશક્ત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલ હશે. ફેક્ટરી એક્ટ 1948 માં સુધારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. એક્ટની કલમ 65 હેઠળ સત્તાઓનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર વટહુકમ દ્વારા આ એક્ટની કલમ 66 (b) માં ફેરફાર કરવાનો હેતુ ધરાવે છે.
ફેક્ટરી કાયદાની કલમ 66 મુજબ સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી જ કોઈ પણ મહિલાને કોઈપણ ફેક્ટરીમાં કામ પર રાખી શકાય છે અથવા તેને કામ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ જોગવાઈ હાલમાં રાત્રિના સમયે મહિલાઓના રોજગારને પ્રતિબંધિત કરે છે. કલમ 66માં સુધારો કરવામાં આવશે, જેનાથી મહિલાઓને રાત્રિના સમયે પણ કામ કરવાની મંજૂરી મળશે. કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા મજબૂત બનાવવી પડશે, સલામતીના પગલાં વધારવા પડશે અને નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવી પડશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. તેમજ આ પ્રસ્તાવિત સુધારાઓથી રોજગારમાં મહિલાઓની ભાગીદારી વધારશે અને એક સમાવિષ્ટ અને પ્રગતિશીલ કાર્ય વાતાવરણ કેળવાશે.
હાલ રાજ્યમાં કાર્યરત કંપનીઓ, મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ નાઈટ શિફ્ટમાં મહિલા કર્મચારીઓને રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પ્રસ્તાવિત સુધારાથી તમામ પ્રકારની સંસ્થાઓને નાઈટ શિફ્ટમાં મહિલાઓને રોજગાર આપવામાં સુવિધા મળશે.