મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે જિયનપુરમાં આયોજિત ચૂંટણી જનસભામાં સપા અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. સીએમ એ કહ્યું કે, તમે પાંચ વર્ષનો સમય આપો આઝમગઢનું નામ બદલીને ‘આર્યમગઢ’ કરી દઈશું.
યોગી આદિત્યનાથે કહ્યું કે, જનતાને સૈફઈ પરિવાર લૂંટવા આવ્યો છે. તેમણે કહ્યું કે, સપા સરકારમાં આઝમગઢમાં એરપોર્ટ કેમ બનાવવામાં ન આવ્યું ? યુનિવર્સિટીની સ્થાપના કેમ કરવામાં ન આવી? સંગીત વિશ્વવિદ્યાલય કેમ બનાવવામાં ન આવી? દેશમાં જ્યારે પણ કોઈ મોટી આતંકવાદી ઘટના બની તો આઝમગઢના સંજરપુર અને સરાયમીરનું નામ ચર્ચામાં આવ્યુ.
નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે
દોઢ વર્ષમાં દિનેશ લાલ યાદવ નિરહુઆએ આઝમગઢમાં ઘણું કામ કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને દેશમાં ભાજપ 400 પાર થવા જઈ રહી છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાથે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સમગ્ર દેશમાં લહેર ચાલી રહી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, 80 કરોડ લોકોને રાશન, ગરીબો માટે આયુષ્માન કાર્ડ, કિસાન સન્માન નિધિ, શૌચાલય, ઉજ્જવલા ગેસ જેવી તમામ યોજનાઓ લાગુ કરી દેશને સમૃદ્ધ બનાવવામાં આવી રહ્યો છે. દેશમાં હાઈવે, રેલવે, મેટ્રો, નમો ભારત, અમૃત ભારત, કમિશનરેટ, યુનિવર્સિટી, આઈઆઈટી કોલેજ જેવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી રહી છે.