લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજેતા થવા બદલ યુક્રેનના પ્રમુખ વૉલોડીમીર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં હતાં. સોશ્યલ મીડીયા પર કરેલા એક પોસ્ટમાં તેઓએ લખ્યું : ‘વિશ્વની સૌથી વિશાળ લોકશાહીમાં સફળતાપૂર્વક ચૂંટણી યોજવા બદલ હું અભિનંદન આપું છું તે સાથે વડાપ્રધાન મોદી, ભાજપ અને ભાજપનાં નેતૃત્વ નીચેનાં એનડીએને સતત ત્રીજી વખત વિજય પ્રાપ્ત કરવા માટે પણ તેઓને અભિનંદન પાઠવું છું. આ સાથે તેઓએ વિશ્વ પરિપેક્ષ્યમાં ભારતના વધી રહેલા પ્રભાવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે દુનિયાભરમાં દરેકે દરેક ભારતનું મહત્વ સમજે છે અને વૈશ્વિક રાજકારણમાં ભારતનું વજન છે તે પણ સૌ કોઈ જાણે છે.’
ઝેલેન્સ્કીએ આ જ મેસેજ હીન્દી ભાષામાં પણ ટ્વિટ કરાવ્યો હતો. આ સાથે આ મેસેજમાં યુક્રેન યુદ્ધ અંગે સ્વિત્ઝર્લેન્ડમાં યોજાનારી શાંતિ મંત્રણામાં ઉપસ્થિત રહેવા તેઓએ મોદીને અનુરોધ કર્યો હતો.
मैं भारत के विश्व के सबसे बड़े लोकतांत्रिक चुनावों के सफलतापूर्वक आयोजन का अभिवादन करता हूँ। भारत के संसदीय चुनावों में लगातार तीसरी जीत पर प्रधानमंत्री @NarendraModi, भारतीय जनता पार्टी और उनके नेतृत्व वाला एन.डी.ए को हार्दिक शुभकामनाएँ।
मैं भारत के लोगों के लिए शांति और…
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 5, 2024
ઉલ્લેખનીય છે કે સ્વિત્ઝર્લેન્ડમાં યોજાનારી તે શાંતિ મંત્રણામાં ભારતને આમંત્રણ અપાયું જ પરંતુ ભારતનાં વિદેશ મંત્રાલયે તે શાંતિ મંત્રણામાં ભારત ઉપસ્થિત રહેશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. આમ છતાં ઝેલેન્સ્કીના અનુરોધને લીધે ભારતના વિદેશમંત્રી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે.
નિરીક્ષકો જણાવે છે કે તે મંત્રણામાં ભાગ લેવા આવનારા જી-૭ દેશો પૈકી દરેક સાથે ભારતને સારા સંબંધો છે. તે દેશોની સરકારોના વડાઓ પૈકી ઘણા સાથે મોદીને અંગત સંબંધો છે. સંભવ તે પણ છે કે પુતિન તો તે મંત્રણામાં ઉપસ્થિત ન રહે પરંતુ રશિયાના વિદેશમંત્રી તો હાજર રહેશે જ. મોદી તેઓને સમજાવી જ શકે તેમ છે. તેઓ અમેરિકા અને ફ્રાંસના પ્રતિનિધિઓને પણ સમજાવી શકે તેમ છે. તેથી કદાચ યુક્રેન યુદ્ધમાંથી કોઈ માર્ગ નીકળી જ શકશે. માટે જ ઝેલેત્સ્કીનો આગ્રહ છે કે નરેન્દ્ર મોદી પણ તે પરિષદમાં ઉપસ્થિત રહે.
આ પૂર્વે યુક્રેનના વિદેશ મંત્રી દીમીત્રો કુલેબા ગત માર્ચ માસમાં દિલ્હીની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓએ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરને તે શાંતિ પરિષદમાં ઉપસ્થિત રહેવા આગ્રહ રાખ્યો હતો. જો કે તે સમયે જયશંકરે, ‘હા’ કે ‘ના’માં જવાબ આપ્યો ન હતો. (પરંતુ તેમ માનવામાં આવે છે કે તેઓ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને તે પરિષદમાં ઉપસ્થિત રહેશે)
તે સર્વવિદિત છે કે ગત સપ્તાહે સિંગાપુરમાં યોજાયેલી સૌથી મોટી એશિયન સિક્યુરીટી કોન્ફરન્સમાં ઝેલેન્સ્કી ઓચિંતા જ પહોંચી ગયા હતા. તેમાં તેઓએ ચીન ઉપર સીધો આક્ષેપ મુક્યો હતો કે ચીન જ યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે સ્વિત્ઝર્લેન્ડમાં યોજાનારી પરિષદમાં ભંગાણ પાડવા પ્રયત્નો કરી રહ્યું છે. સહજ છે કે ચીને તે આક્ષેપને રદિયો આપ્યો છે.