વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દીના ઉપક્રમે ગોકુલધામ નાર ધ્વારા રવિવારે ગોમતી કિનારે આચાર્ય પૂ.રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદ સાથે ૨૦૦ યુગલોએ શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજના સાંનિધ્યમાં પ્રભુતામાં પગલા પાડી સાંસારિક જીવનમાં પગરણ શરૂ કર્યા હતા.
આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ર્ડા. સંતવલ્લભદાસજી સ્વામી, ગોકુલધામ નારના પ્રણેતા વરિષ્ઠ સંતો તથા વિધાનસભાના દંડક જગદીશભાઈ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર નડીયાદના પંકજભાઈ દેસાઈ, વિપુલભાઈ પટેલ સહિત મહાનુભાવ અને દાનવીર હરિભક્તોએ સાંસારિક જીવનની કેડી કંડારનાર નવયુગલોને તેઓનું સાંસારિકજીવન સુખી-સમૃધ્ધ અને જીવન ધર્મમય બને તેવા શુભ આર્શીવાદ પાઠવ્યા હતા.
આજની કાળઝાળ મોંઘવારીમાં આર્થિક રીતે પીડાતા પરિવારોમાં દિકરી પરણવા લાયક થાય ત્યારે તેના લગ્નના ખર્ચાને પહોંચી વળવું પરિવારના મોભી માટે ખૂબજ કષ્ટભર્યું છે. ત્યારે જરૂરિયાતમંદ દીકરા-દીકરીઓ માટે ગોકુલધામ નાર ધ્વારા સમુહલગ્ન યોજી સમાજને ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂં પાડયું છે. ફક્ત લગ્ન એટલાજ નહિ. પણ ઘરસંસાર શરૂ કરવા માટે જરૂરી સાધન સામગ્રી પણ દરેક દંપતિને પૂરી પાડવામાં આવી છે. જેથી નવયુગલ પોતાનો સંસાર સ્વભાનભેર જીવી શકે,સાથે સાથે અકસ્માત કે જન્મથી ખોડખાંપણ ધરાવતા હોય તેવા ૨૦૦ દિવ્યાંગોને ટ્રાયસીકલ, વોકર સ્ટીક તથા બહેનોને રોજગારી મળી શકે તે માટે ૨૦૦ બેનોને સીવણસંચા પૂરા પાડવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ચેરમેન દેવપ્રકાશ સ્વામી,આચાર્ય પૂ.રાકેશપ્રસાદજી મહારાજે નવયુગલોને આર્શીવાદ પાઠવતા જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણનો સર્વજીવ હિતાવહનો સંદેશ હતો કે, સર્વ કોઈનું હિત થવું જોઈએ. જે સંદેશને મૂળ સંપ્રદાય વડતાલધામ દાતાઓના ધનનો સદ્વ્યય કરે છે. વડતાલધામ શિક્ષણક્ષેત્રે, આરોગ્યક્ષેત્રે કે દેશમાં કોઈ આપતિ આવી પડે જેવી કે, દુષ્કાળ, પૂર હોય કે કોરોના જેવા સમયમાં પણ નાનામાં નાના માણસને લાભમળે તે મુજબ જરૂરિયાત પ્રમાણે કાર્ય કરે છે. જે કામ ગોકુલધામ નાર ધ્વારા થઈ રહ્યા છે.
આ પ્રસંગે કાળુભાઈ ડાભી (ધંધુકા) વડતાલના સરપંચ અમીતભાઈ પરમાર તથા ચેતનભાઈ રામાણી ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ સમુહ લગ્નના સેવા યજ્ઞમાં ચેક અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ)એ નવદંપતિઓને શીખ આપતા જણાવ્યું હતું કે જીવનમાં સુખી થવા માટે હંમેશા સકારાત્મક વિચારવું જોઈએ. ભગવાનમાં દૃઢ વિશ્વાસ રાખવો અને સદગ્રંથોનું વાંચન અને સંતોનો સમાગમ રાખવો તેવી શિખ આપી હતી.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)