દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે જનજીવન ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે, ત્યારે કરોલ બાગ વિસ્તારમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઇમારતનો અમુક હિસ્સો પત્તાના મહેલની જેમ તૂટી જતાં તેની નીચે 15 જેટલા લોકો દટાયા હોવાની આશંકા છે. દુર્ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે.
Delhi: An old three-storey house collapsed in Ambedkar Galli Hill Market, Bapa Nagar, Karol Bagh. Around 15 people are reported to be trapped under the debri. pic.twitter.com/U8kItHlyPr
— IANS (@ians_india) September 18, 2024
રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું
મળતી માહિતી અનુસાર 3 માળનું મકાન હતું જે ધરાશાયી થઈ ગયું હતું. કરોલ બાગના બાપાનગરમાં આંબેડકર ગલી હીલ માર્કેટ વિસ્તારમાં આ ઘટના બની હતી. લેટેસ્ટ અપડેટ અનુસાર આ દુર્ઘટનામાં લગભગ 15 જેટલાં લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હોવાની આશંકા છે જેમને બચાવવા માટે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું.
આ બચાવ કામગીરીમાં ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ પહોંચી છે. આજે સવારે 9.11 વાગ્યે ઇમારત ધરાશાયી થવાની જાણ થઈ હતી. અગાઉ પણ ભારે વરસાદના કારણે દિલ્હીના મોડલ ટાઉનમાં રિનોવેશન માટે તોડી પાડવામાં આવી રહેલી જર્જરિત ઇમારત અચાનક ઢળી પડતાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
આતિશીએ સંવેદના વ્યક્ત કરી
આ ઘટનાનો ઉલ્લેખ કરતાં દિલ્હીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર આતિશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, “કરોલ બાગ વિસ્તારમાં મકાન પડવાની આ ઘટના ખૂબ જ દુઃખદ છે. મેં જિલ્લા અધિકારીને ત્યાં રહેતા લોકો અને પીડિતો માટે શક્ય તેટલી મદદ કરવાનો આદેશ આપ્યો છે. “જો કોઈને ઈજા થઈ હોય તો મદદ કરો અને આ અકસ્માતના કારણો શોધો. આ વર્ષે ઘણો વરસાદ થયો છે. હું દિલ્હીના તમામ લોકોને અપીલ કરું છું કે બાંધકામ સંબંધિત અકસ્માતો ટાળો. જો તમને કોઈ શંકા હોય તો, તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરો અને કૉર્પોરેશન, સરકાર તાત્કાલિક મદદ કરશે.”