ઇઝરાયેલના જેરૂસલેમ શહેરના ભારી વિસ્તારમાં ગોળીબારની એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકોના મોત થયા છે અને લગભગ 15 લોકો ઘાયલ થયા છે. આ ઘટના યિગાલ યાદિન સ્ટ્રીટ પર રામોટ જંકશન નજીક બની હતી. ઇઝરાયેલી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના આતંકી હુમલો હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસનું કહેવું છે કે, આ હુમલો કરનારા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે, જેથી વિસ્તારની પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી શકાય.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, હુમલાખોરો એક બસમાં સવાર થઈને આવ્યા હતા અને ત્યાંથી સામાન્ય લોકો પર અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. ચેનલ 12 ન્યૂઝે જણાવ્યું છે કે ગોળીબારમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની હાલત ચિંતાજનક છે. હોસ્પિટલોમાં તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને ઘાયલોને ઝડપી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
‘ટાઈમ્સ ઑફ ઇઝરાયેલ’ના અહેવાલ મુજબ, ગોળીબાર કરનારા હુમલાખોરોમાંના એક પાસે ‘કાર્લો’ સબમશીન ગન હતી, જેનાથી તેણે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. હાલમાં, આ આતંકી કોણ હતા અને તેઓ કયા સંગઠન સાથે જોડાયેલા હતા તેની તપાસ ચાલી રહી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ આસપાસના વિસ્તારોમાં ભારે બંદોબસ્ત ગોઠવ્યો છે અને સંભવિત સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.
આ હુમલાએ ફરી એકવાર જેરૂસલેમમાં સુરક્ષાના પ્રશ્નોને લઈને ચિંતાઓ ઊભી કરી છે. ઇઝરાયેલી સરકાર અને સુરક્ષા એજન્સીઓ સતત સક્રિય હોવા છતાં આવી ઘટનાઓ સામે આવી રહી છે, જે સ્થાનિક નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે. હાલ પોલીસ ઘટનાસ્થળને સીલ કરીને વિસ્તૃત તપાસ ચલાવી રહી છે અને ઘાયલોના પરિજનોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel