અયોધ્યામાં ભવ્ય મંદીરમાં બિરાજમાન ભગવાન શ્રીરામલલ્લાના દર્શન કરવા માટે આજે ગુજરાતમાંથી ૫૬૩૬ લોકો કર્ણાવતી, ભાવનગર, સુરત અને રાજકોટ ખાતેથી ૪ ટ્રેનોના માધ્યમથી રવાના થયા છે. આ વિશિષ્ટ ટ્રેનો મારફતે જતા યાત્રિકોમાં શ્રીરામમંદિર નિર્માણ આંદોલન સાથે જોડાયેલા કારસેવકો અને વિહિપ – સંઘ – સમવૈચારીક સંગઠનના કાર્યકરોનો સમાવેશ થાય છે.
કાલુપુર રેલવે સ્ટેશનએ બપોરે ૪-૩૦ કલાકે ટ્રેન મારફતે વિદાય થતા આ ભાગ્યશાળી કાર્યકર્તાઓને વળાવવા મહામંડલેશ્વરશ્રી અખીલેશ્વરદાસજી મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના મંત્રી શ્રી અશોક રાવલ, સહમંત્રી શ્રી અશ્વિન પટેલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વતી શ્રી રામલ્લાને ચડાવવાની ૫૨ ગજની ધજા ખુલ્લી કરી ત્યારે આ ધજાને સ્પર્શ કરી દર્શન કરતા અભૂતપૂર્વ દ્ર્શ્યો સર્જાયા હતા.
ટ્રેનમાં વિદાય થતી વેળાએ જય શ્રીરામના નારા સાથે સમગ્ર કાલુપુર સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું અને અયોધ્યા શ્રીરામમંદિર નિર્માણ આંદોલનની યાદો તાજી થઈ ગઈ હતી. કાર્યકર્તાઓ ગર્વ થી કહી રહ્યા હતા કે “જહાં હુઆ પ્રભુ રામ કા જન્મ, મંદીર વહી બનાયા હૈ”.