રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો છે, જેના પરિણામે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાંનો ત્રાટક વધ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે, જ્યાં આજે (20 ઑગસ્ટ) સવારે મેઘરાજાએ ધોધમાર વરસી જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉભી કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 4.2 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમાં પણ કપરાડા તાલુકામાં સૌથી વધુ 7.5 ઇંચ, પારડીમાં 4.7 ઇંચ અને વાપીમાં 4.6 ઇંચ વરસાદ પડતાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે શહેર અને ગામના નીચાણવાળા વિસ્તારો, કોઝવે અને રેલવે અંડરપાસોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. વાપી શહેરના નવા અને જૂના બંને રેલવે અંડરપાસ પાણીમાં ડૂબી જતાં લોકો માટે રોજિંદા અવરજવર મુશ્કેલ બની ગઈ છે. આ ઉપરાંત ઉમરગામ તાલુકાના નાહુલી, સંજાણ અને ભિલાડ ગામોના અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓ સામે આવી છે.
વરસાદની અસર માત્ર શહેરી વિસ્તારો સુધી સીમિત નથી રહી, પરંતુ વલસાડ જિલ્લાના જળસ્રોતો પર પણ તેનો મોટો પ્રભાવ જોવા મળ્યો છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક અચાનક વધી ગઈ હતી. પરિણામે ડેમની સપાટી ઝડપી ગતિએ વધી 76 મીટર સુધી પહોંચી ગઈ. વધતી આવકને નિયંત્રિત કરવા માટે સત્તાવાળાઓએ સુરક્ષા પગલાં રૂપે દમણગંગા નદીમાં પાણી છોડવાનું શરૂ કર્યું. બપોરથી સાંજ સુધીમાં 29,000 ક્યુસેકથી લઈને 1.22 લાખ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવ્યું હતું. ખાસ કરીને સાંજે 5 વાગ્યે ડેમમાં 1.20 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા, તંત્રએ તાત્કાલિક 10 દરવાજા 2.5 મીટર સુધી ખોલીને 1.21 લાખ ક્યુસેક પાણી છોડ્યું હતું. આ પગલાંથી દમણગંગા નદી કિનારા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
વલસાડ જિલ્લા ઉપરાંત નજીકના દાદરા-નગર હવેલીમાં 6.1 ઇંચ અને દમણમાં 4 ઇંચ વરસાદ પડતાં આસપાસના વિસ્તારોમાં પણ નદીઓ, નાળા તથા તળાવો છલકાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે અને નદી કિનારા અથવા પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની ચેતવણી આપી છે. તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રએ તાબડતોબ ટીમો તૈનાત કરી છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થાને ખસેડવાની કામગીરી શરૂ કરી છે. આ ભારે વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં આપત્તિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel