સંસ્કારી નગરી વડોદરા ખાતે 80મા સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. ધ્વજારોહણ બાદ તેમણે ઉપસ્થિત નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક રજૂઆતો, શિસ્તબદ્ધ પોલીસ પરેડ અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ, ખેલાડીઓ તથા નાગરિકોના સન્માનથી સમગ્ર માહોલ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો હતો.
‘80મો સ્વાતંત્ર્ય દિન માત્ર ઉજવણી નહીં, વિકસિત ભારત 2047 માટે પ્રેરણા’
સમારોહને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર બે દાયકા બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિકસિત ભારત@2047’નું જે લક્ષ્ય આપ્યું છે તેને સિદ્ધ કરવા માટે આગામી 20 વર્ષ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે 80મો સ્વાતંત્ર્ય દિન માત્ર એક રાષ્ટ્રીય પર્વની ઉજવણી નથી, પરંતુ આગામી બે દાયકાના આયોજન, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરણાનો અવસર છે.
તેમણે યુવાનોને દેશની પ્રગતિમાં સક્રિય સહયોગ આપવા અપીલ કરતાં કહ્યું કે આજના સમયની માંગ શહાદત નહીં પરંતુ સહયોગ છે. દરેક નાગરિકે ભેદભાવ અને વિવાદોથી પર રહી પોતાની જવાબદારીઓ ઈમાનદારીપૂર્વક નિભાવવી જોઈએ. યુવાનોને વ્યસન અને સામાજિક દુષણોથી દૂર રહી સશક્ત અને જવાબદાર ભારતના નિર્માણમાં ભાગીદાર બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
મહાત્મા ગાંધી અને સરદાર પટેલના યોગદાનને યાદ કર્યા
નાયબ મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસને યાદ કરતાં કહ્યું કે ગુજરાતના બે મહાન સપૂતો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન દેશના સ્વાતંત્ર્ય આંદોલનમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. બંને નેતાઓએ સ્વાતંત્ર્યની લડતને ચોક્કસ દિશા આપી અને રાષ્ટ્રને એકતા, અહિંસા અને સંગઠનની શક્તિનો માર્ગ બતાવ્યો.
ગાયકવાડી શાસનને ગણાવ્યું સુશાસન અને રાષ્ટ્રનિર્માણની પાઠશાળા
વડોદરાના ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગાયકવાડી શાસન સુશાસન અને રાષ્ટ્રનિર્માણની પાઠશાળા સમાન હતું. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને વડોદરા વચ્ચેના ઐતિહાસિક સંબંધને યાદ કરતાં કહ્યું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે ડૉ. આંબેડકરની પ્રતિભા ઓળખીને તેમને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડી હતી. આ સહાયનો લાભ આગળ જતાં સમગ્ર સ્વતંત્ર ભારતને મળ્યો.
તેમણે કહ્યું કે ભારતના સંવિધાનના નિર્માણ અને સમાનતાના અધિકાર સાથે જોડાયેલા અનેક વિચારોના મૂળ વડોદરાની ‘સંકલ્પ ભૂમિ’ સાથે જોડાયેલા છે.
વડોદરા જિલ્લાના વિકાસ માટે ₹479 કરોડની ગ્રાન્ટ
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સમૃદ્ધ અને વિકસિત ગુજરાત માટે આદિવાસી વિસ્તારોથી લઈને શહેરો સુધી સર્વાંગી વિકાસની નીતિ સાથે કાર્યરત છે. વડોદરા જિલ્લાના ગામડાઓ સુધી વિકાસના લાભ પહોંચાડવા માટે 15મા નાણાપંચ હેઠળ જિલ્લાને ₹479 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે.
તેમણે કુદરતી આફતો સામે સુરક્ષા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પાંચ શેલ્ટર હોમ મંજૂર કરાયા હોવાનું પણ જણાવ્યું. ખેડૂતોને કુદરતી આફતો સમયે સહાય પૂરી પાડવાના રાજ્ય સરકારના પ્રયાસોની માહિતી આપતાં તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં 1.36 કરોડ ખેડૂતોને વિવિધ રાહત યોજનાઓ અંતર્ગત સહાય ચૂકવવામાં આવી છે.
PM-Kisan હેઠળ ગુજરાતના 69.25 લાખથી વધુ ખેડૂત પરિવારોને લાભ
ખેડૂતોના કલ્યાણ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ‘પીએમ કિસાન યોજના’ હેઠળ રાજ્યના 69.25 લાખથી વધુ ખેડૂત પરિવારોને લાભ મળ્યો છે. વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા 1,810 ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી છે અને 308 મોડેલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે.
વિશ્વામિત્રીમાં 29.27 લાખ ઘનમીટર ડિસિલ્ટિંગ
વડોદરાની પાણી અને પૂર સંબંધિત સમસ્યાઓનો ઉલ્લેખ કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને રાજ્યમાં હાથ ધરાયેલા જળસંચય અભિયાનોના કારણે પાણીની સમસ્યા મોટા પ્રમાણમાં ભૂતકાળ બની રહી છે. વડોદરામાં પૂર નિયંત્રણ અને જળસંચય માટે મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે.
વિશ્વામિત્રી નદીમાં 29.27 લાખ ઘનમીટર ડિસિલ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પૂર રાહત અને પાણીના સંચાલન માટે વિશ્વામિત્રી નદી પર 13 અને સૂર્યા નદી પર પાંચ ચેકડેમ બનાવવામાં આવ્યા છે. દેણા ખાતે વિશ્વામિત્રી અને સૂર્યા નદીના સંગમસ્થળે 25 કરોડ લીટર ક્ષમતાનું બફર લેક તૈયાર કરવામાં આવ્યું છે.
જળ શક્તિ અભિયાન અંતર્ગત જિલ્લામાં 2,500થી વધુ જળસંચયના કામો કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું. ખેડૂતોને વધુ સારી સિંચાઈ સુવિધા આપવા માટે આશરે ₹650 કરોડની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના પણ શરૂ કરવામાં આવી છે.
આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ત્રણ નવા સરકારી છાત્રાલયો
આદિજાતિ અને જનજાતીય વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે વડોદરા અને આસપાસના જિલ્લાઓના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવા સરકારી છાત્રાલયો બનાવવામાં આવશે. આ ઉપરાંત જૂના છાત્રાલયોની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી વધુ વિદ્યાર્થીઓને રહેઠાણ અને અભ્યાસની સુવિધા મળી શકે.
‘ઉદ્યોગ, રોકાણ અને રોજગારીમાં ગુજરાત રોલ મોડલ’
હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત આજે ઉદ્યોગ, રોકાણ અને રોજગારીના ક્ષેત્રે સમગ્ર દેશમાં રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે. રાજ્ય સરકાર સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં યુવાનોને રોજગારીની વધુ તકો મળે તે માટે સતત પ્રયત્નશીલ છે.
તેમના જણાવ્યા અનુસાર વર્ષ 2025-26 દરમિયાન રાજ્યમાં 1,333 ભરતીમેળાઓ યોજાયા, જેમાં 1,15,774 યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા. છેલ્લા પાંચ વર્ષમાં 7,403 મેગા રોજગાર ભરતીમેળાઓનું આયોજન કરીને 6.54 લાખથી વધુ યુવાનોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વિશિષ્ટ કામગીરી બદલ 56 લોકોનું સન્માન
જિલ્લાકક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન વડોદરા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કુલ 56 કર્મચારીઓ, અધિકારીઓ, ખેલાડીઓ અને નાગરિકોને પ્રશસ્તિપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીના આગમન સમયે પોલીસ કમિશનર નરસિંહા કોમાર અને જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયાએ તેમનું સ્વાગત કર્યું હતું. સંબોધન બાદ હર્ષ સંઘવીએ ખુલ્લી જીપમાં પરેડ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
19 પ્લાટુને પરેડમાં લીધો ભાગ
રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જિલ્લાના વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ કરવામાં આવી હતી. પોલીસ સહિત કુલ 19 પ્લાટુનના કર્મચારીઓ અને જવાનોએ પરેડમાં ભાગ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરેડને નિહાળી મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો મંત્રમુગ્ધ બન્યા હતા.
‘એક પેડ મા કે નામ 2.0’ હેઠળ વૃક્ષારોપણ
કાર્યક્રમના અંતે ‘એક પેડ મા કે નામ 2.0’ અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ સમારોહમાં દંડક બાળકૃષ્ણ શુક્લ, સાંસદ ડૉ. હેમાંગ જોશી, ધારાસભ્યો કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ અને સતીષ પટેલ સહિતના જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ તેમજ વડોદરા શહેર અને જિલ્લાના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel