પશ્ચિમી વિશ્વમાં એક એવું હિંદુ મંદિર બન્યું છે, જેના માટે ન તો વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે ન તો કોઈ વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે અમેરિકાના પ્રખ્યાત હવાઈ ટાપુમાં સ્થિત છે. હવાઈના કાઉઈ ટાપુ પર જ્યાં તેનું નિર્માણ થયું છે, તે જગ્યા ચારે તરફથી સુંદર જંગલો અને બગીચાઓથી ઘેરાયેલી છે. આ ઈરાઈવાન મંદિર છે, એટલે કે તમિલ શૈલીનું મંદિર છે. આ આખું ભવન ગ્રેનાઈટથી તૈયાર કરવામાં આવ્યું છે. તેનું શિખર સોનાની પરતથી ઢંકાયેલું છે અને તેનું નિર્માણ દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોની તર્જ પર કરવામાં આવ્યું છે.
હવાઈની વસ્તી લગભગ 14 લાખ છે, જેમાંથી 1% કરતા પણ ઓછા હિંદુઓ છે. કેટલાક આંકડા કહે છે કે હિંદુઓની સંખ્યા 50થી વધુ નહીં હોય. પરંતુ, કાઉઈ અધીનમ પરિસરમાં રહેતા બે ડઝન સાધુઓ પાસે શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે. તે સાધુઓ હિંદુ ધર્મની શૈવ વિચારધારાને અનુસરે છે. આ મંદિર તેમાંના એક પરમાચાર્ય સદાશિવાનંદ પલાની સ્વામી દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેઓ તેમના ગુરુ અને પરિસરના સ્થાપક શિવાય સુબ્રમુનીયાસ્વામી સાથે 1968માં કાઉઈના કાપામાં આવ્યા હતા.
તેમણે એક વખત સ્વપ્નમાં ભગવાન શિવને ત્યાં એક મોટા પથ્થર પર વિરાજમાન જોયા હતા, ત્યારબાદ મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. 1990માં તેનું નિર્માણ શરૂ થયું અને સંસ્થાપકના નિધન પછી પણ કાર્ય ચાલુ રહ્યું. ગુરુજીનું એવું માનવું હતું કે વીજળી સાથે એક પ્રકારની ચુંબકીય અસર આવે છે અને તેની માનસિક અસર પણ થાય છે. આ મંદિરના નિર્માણ માટે ભારતના ઘણા કલાકારોની સેવા લેવામાં આવી હતી, જેના નિર્માણમાં 33 વર્ષ લાગ્યા હતા. મંદિરમાં બલ્બ નહીં પણ તેલના દીવા પ્રગટાવવામાં આવે છે.
ચૌલ રાજવંશની શૈલી પર આધારિત આ મંદિરમાં પંખા કે AC પણ લગાવાયા નથી. અહી મુખ્ય દેવતા તરીકે 700 પાઉન્ડ (317.51 કિલોગ્રામ)ના શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. તેમાં એક કડવુલ મંદિર પણ છે, જેમાં ભગવાન શિવને નૃત્ય કરતાં અર્થાત નટરાજના રૂપમાં દર્શાવાયા છે. આ વર્ષે માર્ચમાં પૂજારી પ્રવીણકુમાર અહી પહોંચ્યા હતા, જ્યારે 32 લાખ પાઉન્ડ (14.51 લાખ કિલોગ્રામ) ગ્રેનાઈટનો ઉપયોગ કરીને 3,600 પથ્થર, સ્તંભ અને બીમ સ્થાપિત કરવામાં આવ્યા.
The sun shines down on the golden spires of the Iraivan Temple at Kauai's Hindu Monastery in Kapaa, Hawaii. The temple is made entirely of hand-carved granite, which the monks have been constructing for the last 33 years. On Hawaii island the West’s only all-granite, hand-carved. pic.twitter.com/YJ2ua56lWv
— Taj Pharmaceuticals—Official (@taj_pharma) November 25, 2023
પૂજારીએ જણાવ્યું હતું કે અહિયાં આ પ્રકારની કોઈપણ સંરચનાનું નિર્માણ અસંભવ હતું, પરંતુ તેમ છતાં તેને સંભવ બનાવવામાં આવ્યું. નોંધનીય છે કે સુબ્રમુનિયાસ્વામી પહેલાં સાન ફ્રાન્સિસ્કોમાં બેલેટ ડાન્સર હતા. ઉત્તરી શ્રીલંકામાં ગુરુ યોગસ્વામીએ તેમને દીક્ષા આપી હતી. પછી ગુરુએ તેમને પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સેતુ બનાવવાનો આદેશ આપ્યો હતો. 1969માં કાઉઈ ટાપુ પર તેમને વિશેષ અનુભવો થયા. તેમણે મંદિર બનાવતી વખતે સ્થાનિક સંસ્કૃતિનું પણ ધ્યાન રાખ્યું હતું. તે પહેલાં તેમણે બૌદ્ધ મઠોની પણ મુલાકાત લીધી હતી. અમેરિકાના હવાઈ ટાપુ પર સ્થિત આ હિંદુ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.