તેલંગણાની 119 વિધાનસભા બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. 106 વિધાનસભા વિસ્તારોમાં 5 વાગ્યા સુધી મતદાન ચાલશે જ્યારે 13 ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં સવારે સાત વાગ્યાથી ચાર વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે. રાજ્યમાં કોંગ્રેસ, ભાજપ, અને હાલમાં સત્તારૂઢ બીઆરએસ વચ્ચે ત્રિકોણીયો જંગ જોવા મળી રહ્યો છે. બીઆરએસ નેતા અને મુખ્યમંત્રી કેસીઆર આ વખતે બે સીટો ગજવેલ અને કામારેડ્ડી સીટથી ચૂંટણી લડી રહ્યા છે. હાલના સમયમાં કેસીઆર ગજવેલ સીટથી વિધાયક છે.
અત્રે જણાવવાનું કે દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. જેમાંથી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. જ્યારે તેલંગણામાં આજે મતદાન થઈ રહ્યું છે. આ તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ એક સાથે 3 ડિસેમ્બરે જાહેર થશે. આ પહેલા જો કે ગુરુવારે એટલે કે આજે સાંજે તેલંગણામાં મતદાન પૂરું થતાની સાથે જ પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ જશે.
5 રાજ્યોમાં કોની કોની સરકાર
જે 5 રાજ્યોમાં એક્ઝિટ પોલ આજે આવશે તેમાં રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે, જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપ છેલ્લા 18 વર્ષથી સત્તામાં છે અને આ વખતે સત્તાવિરોધી લહેર હોવાનું કહેવાઈ રહ્યું છે. તેલંગણામાં બીઆરએસ છેલ્લા 10 વર્ષથી સત્તામાં છે અને આ વખતે પણ પોતાની જનકલ્યાણકારી યોજનાઓના સહારે ચૂંટણીના મેદાનમાં છે. મિઝોરમમાં ભાજપની ગઠબંધન સરકાર છે. આવામાં આ વખતે પરિણામ કોની ફેવરમાં રહેશે તે એક્ઝિટ પોલથી જાણી શકાશે.