યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ઝેર આપવામાં આવ્યુ હોવાના અહેવાલોએ ચકચાર જગાવી છે.
યુક્રેનના સંખ્યાબંધ મીડિયા દ્વારા આ પ્રકારના અહેવાલો પ્રકાશિત કરાયા છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે યુક્રેનની જાસૂસી એજન્સી જીયુઆરના પ્રમુખ કિરિલો બુડાનોવના પત્ની મારિયાના બુડાનોવને ભોજનમાં ઝેર અપાયુ હતુ. યુક્રેનની જાસૂસી એજન્સી છેલ્લા 21 મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં મહત્વનો રોલ અદા કરી રહી છે.
બુડાનોવ યુક્રેનમાં ખાસા લોકપ્રિય છે. રશિયા પર હુમલા પાછળની યોજનાઓમાં તેમને માસ્ટર માઈન્ડ ગણાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ રશિયન મીડિયા તેમને વિલન તરીકે ચીતરી રહ્યુ છે. તેમના પત્નીને જાણી જોઈને ઝેર આપવામાં આવ્યુ હોવાનો આરોપ સાબિત થશે તો એક હાઈ પ્રોફાઈલ યુક્રેની નાગરિકની હત્યાના પ્રયાસનો આ પહેલો અને ગંભીર મામલો હશે.
બીજી તરફ રશિયાની કોર્ટમાં યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખ સામે આંતકવાદના આરોપ હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો.
રશિયા દ્વારા રશિયન બ્લોગરની હત્યા માટે યુક્રેનની જાસૂસી સંસ્થાને દોષી ઠેરવવામાં આવી હતી અને આ બદ બુડાનોવ સામે કેસ ચલાવવામાં આવ્યો હતો