સુરતમાં એથર ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં વધુ એકનું મોત થયો છે. આગની ઘટનામાં પ્રમોદ માદારી ઈજાગ્રસ્ત થયા હતા. જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. અત્રે જણાવીએ કે, એથર ઈન્ડસ્ટ્રીઝમાં આગમાં મૃત્યુઆંક વધીને 8 થયો છે. એક તરફ આગની તપાસમાં ઢીલના આક્ષેપો થઈ રહ્યો છે તો બીજી તરફ FSL અને NGT તપાસમાં જોડાઈ છે.
તપાસમાં ઢીલના આરોપો
ઉલ્લેખથનીય છે કે, ઘટનાના 9 દિવસ બાદ મોડે મોડે FSL સક્રિય થયું છે. FSL દ્વારા ઘટનાના 9 દિવસ બાદ સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરાઈ છે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટનું બહાનું આગળ કરી મોડું થયાનો દાવો કરાયો છે. 9 દિવસ સુધી સેમ્પલ નહીં લેવાતા તપાસની તટસ્થતા સામે પણ આક્ષેપો થઈ રહ્યાં છે. 8 લોકોનાં મોત, 27 લોકોના ઘાયલ થવા બાદ પણ તપાસમાં ઢીલના આરોપો લાગી રહ્યાં છે.
કલેક્ટર અને પ્રદુષણ બોર્ડને હાજર રહેવા આદેશ
સુરત એથર ઇન્ડસ્ટ્રીઝમાં આગ મામલે NGTએ નોટિસ પાઠવી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે કલેક્ટર અને GPCBને નોટિસ પાઠવી છે. 8 ડિસેમ્બરે યોજાનારી સુનાવણીમાં હાજર રહેવા કલેક્ટર અને પ્રદુષણ બોર્ડને પણ આદેશ અપાયા છે. વળતર માટે NGT કોર્ટ દ્વારા તપાસ કરવા કમિટીની રચના કરાશે અને વળતરની જાહેરાત બાદ વળતર ચૂકવાયું કે કેમ તે અંગે તપાસ કરાશે. NGT ઉપરાંત સુરતની પણ 2 સંસ્થાઓ દ્વારા કેસ દાખલ કરાયો છે. NGT દ્વારા રચાયેલી કમિટી વિસ્ફોટના કારણોની પણ તપાસ કરશેય
તપાસ કમિટીનો રિપોર્ટ પૂર્ણતાના આરે !
એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ અંગે તપાસ કમિટીનો રિપોર્ટ પૂર્ણતાના આરે છે. તપાસ રિપોર્ટમાં આગ લાગવાનું કારણ સામે આવ્યું છે. એથરમાં ટ્રેટા હાઇડ્રોફ્યુરન સોલ્વન્ટને કારણે આગ લાગ્યાનો ઘટસ્ફોટ થયો છે. સૂત્રો પાપ્ત માહિતી મુજબ ટ્રેટા હાઇડ્રોફ્યુરન સોલ્વન્ટની ટેન્કમાં ધડાકો થયો હતો અને આગમાં મૃત્યુ પામેલા શ્રમિકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટની કમિટી રાહ જોઇ રહી છે. બુધવાર સાંજ સુધીમાં તપાસ કમિટી રિપોર્ટ સોંપે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ દ્વારા એથરના માલિકો સામે કોર્ટમાં કેસ દાખલ કરાશે અને તપાસ સમિતીના રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેશે. વિસ્તૃત રિપોર્ટ બાદ કઈ કલમો અંતર્ગત કેસ નોંધવો તે અંગે નિર્ણય લેવાશે