રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપેટ પ્રશંસા કરી છે. તેઓએ કહ્યું કે ભારતના લોકોનાં હિતો માટે તેઓ કાર્ય કરી રહ્યા છે. તે માટે તેઓ જે કોઈ નિર્ણય લે છે તે બદલવા માટે તેઓની ઉપર ઘણીવાર દબાણ થતું હોય છે, પરંતુ તેઓ તેને ગણકારતા નથી. તેટલું જ નહીં પરંતુ તે વિષે વાત પણ નથી કરતા.
ભારત અને ભારત સાથેના સંબંધો સંદર્ભે તેઓએ કહ્યું ય: ‘હું તો માત્ર બહારથી જ જોઈ રહ્યો છું કે શું થઈ રહ્યું છે. સાચું કહું તો ભારત અને ભારતીયો માટે તેઓ કેટલાંક કઠોર પગલાં પણ લે છે. તેથી આશ્ચર્ય પણ થાય છે.’
રશિયા કોબિંગ કાર્યક્રમમાં પુતિને પત્રકારોના અનેકવિધ પ્રશ્નોના ઉત્તરો પણ આપ્યા અને પોતાની વાત પણ કરી.
તેઓએ વધુમાં કહ્યું કે, ‘ભારત અને રશિયાના સંબંધો અનેક ક્ષેત્રોમાં પ્રગાઢ બની રહ્યાં છે, વિકસી રહ્યા છે. તેમાં મહત્વની વાત તે છે કે તે માટે મુખ્ય ગેરેન્ટી પી.એમ. મોદીની નીતિઓ છે.’
આ પૂર્વે ૪ ઓક્ટોબરે યોજાયેલા એક કાર્યક્રમમાં પણ પુતિને પી.એમ. મોદી અને તેઓના ‘મેક-ઈન-ઈંડીયા’ કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એક બહુ બુદ્ધિમાન વ્યક્તિ છે. તેઓનાં નેતૃત્વમાં ભારતે વિકાસ ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે.
ઉલ્લેખનીય છે કે રશિયામાં ૧૭ માર્ચ ૨૦૨૪ના દિવસે રશિયામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાવાની છે. તે અંગે માપવામાં આવે છે કે તે ચૂંટણીમાં પણ વિજયી થઈ પાંચમી વાર તેઓ રશિયાના પ્રમુખપદે સ્થાપિત થશે કારણ કે ત્યાં વિપક્ષો ઘણા નિર્બળ છે. બીજી તરફ યુક્રેન યુદ્ધમાં પણ રશિયાને જાન-માલની ભારે ખુવારી વેઠવી પડે છે છતાં તેણે યુદ્ધ ચાલુ રાખ્યું છે. બીજી તરફ યુક્રેનને માટે પશ્ચિમના દેશો પાસે પૈસા નથી તેથી હવે યુક્રેન માટે ફસામણી ઊભી થઈ છે.