ખેડા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી ખેડાના અધ્યક્ષતામાં “COFFEE WITH DDO” સેશનની ચોથી આવૃત્તિ યોજાઈ. જેમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. વિદ્યાર્થીઓને તેઓના અભ્યાસ, શોખ અને તેઓ ભવિષ્યમાં કયા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાનું સપનું ધરાવે છે એ બાબતે સંવાદ કરી વિદ્યાર્થીઓને તેઓના સુવર્ણ કારકિર્દીના ઘડતર માટે મહત્વનું માર્ગદર્શન શ્રી શિવાની ગોયલે આપ્યું અને વિદ્યાર્થીઓને પુસ્તક ભેટમાં આપી સન્માન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ. વધુમાં વિદ્યાર્થીઓએ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓની પણ મુલાકાત લીધી અને શાખાઓમાં થતી કામગીરી બાબતે જરૂરી જાણકારી પણ મેળવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ખૂબ જ સરળ અને રોચક શૈલીમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તેમના મનપસંદ વિષયો અને ભવિષ્યની કારકીર્દીમાં તેમની આકાંક્ષાઓ થી પરિચિત થયા હતા. ત્યાર બાદ તેમણે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરી કરીઅર માટે પરીક્ષા-લક્ષી તમામ બાબતો થી વાકેફ કર્યા હતા. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના આઈએસ બનવાના સફરને વિધાર્થીઓ સમક્ષ રજૂ કરી, આઈએસ બનવા માટે જરૂરી અભ્યાસ, સમયનો સદુપયોગ અને આરોગ્યની કાળજી જેવી બાબતો પર માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને અભ્યાસના શરૂઆતના વર્ષો થી જ સિવિલ સર્વિસિસ પરીક્ષાની તૈયારી માટે આયોજન કરવા તેમણે જણાવ્યું હતું. આ સિવાય તેમણે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના વધુ પડતાં ઉપયોગ થી સાવધાન રહેવા અને એકચિત્તે અને સમગ્રતા થી અભ્યાસમાં ધ્યાન આપવા જણાવ્યું હતું.
કોફી વિથ ડીડીઓ કાર્યક્રમમાં વિધાર્થીઓએ પણ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને જિલ્લા વિકાસ અધિકારી સાથે સંવાદ કર્યો હતો. આ બાળકોએ તેમના ડોક્ટર, એન્જિનિયર, ઇન્સ્પેક્ટર, રિસર્ચર આર્મી, શિક્ષક અને બિઝનેસમેન વગેરે બનવા માટેના સ્વપ્નને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ નીસંકોચ રીતે પ્રકટ કર્યા હતા.
ઉપરાંત કોફી વિથ ડીડીઓ કાર્યક્રમ અંતર્ગત આ વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયતના તમામ વિભાગોમાં મુલાકાત લઈ જે તે વિભાગની કામગીરીઓથી પરિચિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શાળા શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.