EDએ ફરી એક વખત ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને સમન્સ મોકલ્યું છે. તેમને મંગળવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ અગાઉ તપાસ એજન્સી 5 વખત સમન્સ મોકલી ચૂકી છે, પરંતુ સોરેન ED સમક્ષ હાજર નહોતા થયા. હવે આ 6ઠ્ઠું સમન્સ મોકલવામાં આવ્યું છે. EDએ કથિત રાંચી જમીન ખરીદ-વેચાણ કૌભાંડની તપાસ અને પૂછપરછ માટે બોલાવ્યા છે.
EDના એક અધિકારીએ સમન્સ અંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના મંગળવારે રાંચીમાં એજન્સીની ઝોનલ ઓફિસમાં હાજર રહેવાની અપેક્ષા છે. હાલમાં મોકલવામાં મોકલવામાં આવેલું સમન્સ એ કેસના સંબંધમાં એજન્સી દ્વારા સોરેનને મોકલવામાં આવેલ છઠ્ઠું સમન્સ છે. રાજ્યના સીએમ હોવાની સાથે-સાથે સોરેન સત્તારુઢ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ પણ છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં સોરેને એજન્સીના પાંચ સમન્સને નજર અંદાજ કરી દીધા હતા. અને પાંચમા સમન્સને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો જેણે તેમને હાઈકોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ સોરેન ઝારખંડ હાઈકોર્ટમાં ગયા જ્યાં તેમની અરજી ફગાવી દેવામાં આવી. જે બાદ સોરેને આજ સુધી હાઈકોર્ટના આદેશને પડકાર્યો નથી.