ટેનિસ જગતના પૂર્વ નંબર-1 ખેલાડી લિએંડર પેસ અને ભારતીય પ્રસારણકર્તા અને પ્રમોટર વિજય અમૃતરાજ આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયન પુરૂષ બન્યા છે. આ બંને ઉપરાંત જાણીતા પત્રકાર અને લેખક રિચર્ડ ઇવાંસને પણ ટેનિસના આ વિશેષ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં 18 ગ્રાંડ સ્લેમ જીતનાર પેસને ખેલાડીઓના વર્ગમાં જયારે અમૃતરાજ અને ઇવાંસને ટેનિસમાં યોગદાન આપનારાઓની કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા છે.
Ultimate Honour to be the 1st ever representative of India at the International Tennis Hall of Fame Class of 2024! 🇮🇳🎾
Thank you @TennisHalloFame for my nomination, here's to making history!
A special shout out to @PatrickMcEnroe @Clijsterskim @katadams68 and the entire team… pic.twitter.com/SKi2LF4BAa
— Leander Paes OLY (@Leander) September 27, 2023
શનિવારે કરાશે હોલ ઓફ ફેમમાં સામેલ
ટેનિસ સાથે જોડાયેલા આ ત્રણેય દિગ્ગજોને શનિવારે ન્યુપોર્ટમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવશે. અત્યાર સુધી 27 દેશના 264 લોકોને ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે ભારત હોલ ઓફ ફેમમાં સામેલ થનાર 28મુ દેશ બની જશે. લિએંડર પેસે આ અંગે કહ્યું, ‘મારા જીવનનું સૌથી મોટું સન્માન એ રમતમાં ત્રણ દાયકા સુધી મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું છે જેણે મને બધું આપ્યું અને શીખવ્યું છે. આ સન્માન દરેક ટેનિસ ખેલાડીના યોગદાનને માન્યતા આપવા માટે છે. આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થવું એ માત્ર મારા માટે જ નહીં પરંતુ કરોડો ભારતીયો માટે પણ સન્માનની વાત છે.’
37 અઠવાડિયા સુધી નંબર-1 પર રહ્યો લિએંડર પેસ
લિએંડર પેસ ત્રણ દાયકા સુધી ચાલેલા તેના કરિયરમાં ડબલ્સ રેન્કિંગમાં ટોપ પર રહ્યો અને આ દરમિયાન તેણે 18 ગ્રાંડ સ્લેમ પણ જીત્યા હતા. જેમાં 8 ડબલ્સ અને 10 મિક્સ ડબલ્સ ખિતાબ સામેલ છે. આ બંને કેટેગરીમાં કરિયરના ગ્રાન્ડ સ્લેમ પૂરા કરનાર ત્રણ ખેલાડીઓમાં લિએંડર સામેલ છે. ટેનિસમાં સૌથી વધુ મિક્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાનો રેકોર્ડ સંયુક્ત રીતે પેસ અને તેની પૂર્વ પાર્ટનર માર્ટિના નવરાતિલોવાના નામે છે. પેસ 462 અઠવાડિયા સુધી ATP ડબલ્સ રેન્કિંગમાં ટોચ-10માં રહ્યો હતો. તેમાંથી તે 37 અઠવાડિયા સુધી નંબર-1 પર રહ્યો હતો. તેણે તેના કરિયરમાં ATP ટૂર પર કુલ 55 ડબલ્સ ટાઇટલ જીત્યા છે.
પેસે ડેવિડ કપમાં રેકોર્ડ 45 મેચ જીતી
પેસે 30 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે ડેવિસ કપમાં રેકોર્ડ 45 મેચ જીતી છે. આ ઉપરાંત તેણે વર્ષ 1996માં એટલાન્ટા ઓલમ્પિક ગેમ્સમાં સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમના અધ્યક્ષ કિમ ક્લાઈસ્ટર્સે કહ્યું, ‘હું લિએંડર પેસ, વિજય અમૃતરાજ અને રિચર્ડ ઇવાંસને આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમ માટે તેમની પસંદગી પર અભિનંદન આપવા માટે રોમાંચિત છું. આ ત્રણેય દિગ્ગજોએ ટેનિસમાં પોતાની વિશેષ છાપ છોડી છે અને વૈશ્વિક સ્તરે આ રમતને પ્રોત્સાહન આપવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.’