લીકર કૌભાંડ મામલે દિલ્હી સરકારની મુસીબતો ઓછી નથી થઈ રહી. હવે આ મામલો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તેમને એક પછી એક સમન્સ મોકલી રહ્યું છે, પરંતુ કેજરીવાલ એક વખત પણ ED સમક્ષ હાજર થયા નથી. હવે EDએ સીએમ કેજરીવાલને ત્રીજું સમન્સ જારી કર્યું છે અને તેમને 3 જાન્યુઆરીએ હાજર થવા જણાવ્યું છે.
પંજાબના હોશિયારપુરમાં વિપશ્યના કરી રહ્યા છે CM કેજરીવાલ
મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગયા બુધવારે વિપશ્યના માટે ગયા હતા. તે હોશિયારપુરના મહિલાવલી ગામમાં સ્થિત ધમ્મ ધ્વજ વિપશ્યના સાધના કેન્દ્રમાં 10 દિવસ સુધી ધ્યાન કરશે. દિલ્હીના સીએમ 30 ડિસેમ્બર સુધી પહેલાથી જ નિર્ધારિત વિપશ્યના કાર્યક્રમમાં હાજર રહેશે. આ કારણોસર તે 21 ડિસેમ્બરે ED સમક્ષ હાજર થયા ન હતા. લીકર કૌભાંડ કેસમાં EDએ તેમને 21 ડિસેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા.
આ સતત બીજી વખત છે જ્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ EDના સમન્સ પર પૂછપરછમાં હાજર રહ્યા ન હતા. આ વર્ષે 16 એપ્રિલે EDએ દિલ્હીના કથિત લીકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. કેન્દ્રીય એજન્સીએ તેમને 2 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ જારી કર્યું હતું, પરંતુ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. ત્યાર બાદ 18મી ડિસેમ્બરે EDએ તેમને ફરીથી સમન્સ જારી કર્યા અને તેમને 21મી ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું, પરંતુ સીએમ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા નહીં.