અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં 22 જાન્યુઆરી 2024એ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. તેના માટે મોટા સ્તર પર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે હવે અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મંદિરના ગર્ભ ગૃહમાં ભગવાન રામની ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. મૂર્તિ બનાવવા માટે દેશના 3 પ્રસિદ્ધ મૂર્તિકારોની પસંદગી કરવામાં આવી હતી.
આ ત્રણ મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિઓમાંથી માત્ર એક મૂર્તિની પસંદગી કરવામાં આવશે. તમામ લોકોને જિજ્ઞાસા છે કે આખરે આ 3 મૂર્તિકાર કોણ છે અને તેમની શું વિશેષતા છે. તેમના દ્વારા ભગવાન રામની કયા રૂપમાં મૂર્તિને બનાવવામાં આવી છે?
ભગવાન રામની મૂર્તિ બનાવી છે આ 3 મૂર્તિકારે
મંદિરના ગર્ભ ગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠઆ માટે 3 મૂર્તિકારો દ્વારા 3 અલગ અલગ મૂર્તિઓ બનાવવામાં આવી છે, આ 3 મૂર્તિઓમાંથી 1 મૂર્તિની પસંદગી કરવામાં આવશે. તેની પસંદગી રામ મંદિર ટ્રસ્ટ કમિટી દ્વારા કરવામાં આવશે. મૂર્તિઓ બનાવનારા 3 મૂર્તિકાર રાજસ્થાનના સત્યનારાયણ પાંડે, મૈસૂરના અરૂણ યોગીરાજ શિલ્પી અને બેંગ્લુરૂના જીએલ ભટ્ટ છે. સત્યનારાયણ પાંડેએ ભગવાન રામની શ્વેત અને મૂર્તિકાર અરૂણ યોગીરાજ અને જી એલ ભટ્ટે શ્યામ રંગની મૂર્તિઓ બનાવી છે.
અરૂણ યોગીરાજ શિલ્પી
મૂર્તિકાર અરૂણ યોગીરાજ શિલ્પી મૈસૂરના રહેવાસી છે. તેમને 2008માં નોકરી છોડી દીધી હતી અને મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યુ. તેમનો પરિવાર 5 પેઢીથી મૂર્તિ બનાવવાનું કામ કરે છે. અરૂણ પોતે 1 હજારથી વધારે મૂર્તિ બનાવી ચૂક્યા છે. તેમને કેદારનાથમાં આદિશંકરચાર્યની મૂર્તિ બનાવી હતી. ઈન્ડિયા ગેટ પર સ્થાપિત નેતાજીની મૂર્તિ પણ અરૂણ દ્વારા બનાવવામાં આવી છે. તેમના કામને લઈ ઘણી વખત વડાપ્રધાન મોદીએ અરૂણના વખાણ કર્યા છે. અરૂણે રામલલ્લાની શ્યામ મૂર્તિ બનાવી છે, તેમને 5 વર્ષના રામલલ્લાના બાળરૂપને દર્શાવ્યુ છે. આ મૂર્તિની લંબાઈ 51 ઈંચ છે અને ભગવાનના હાથમાં ધનૂષ અને તીર બનાવવામાં આવ્યું છે, તેને બનાવવામાં 6 મહિના લાગ્યા છે. તેમનો દાવો છે કે તેમને ભગવાન રામની કર્ણાટકની કૃષ્ણ શિલાથી મૂર્તિ બનાવી છે.
જી એલ ભટ્ટ
બેંગ્લુરૂના રહેવાસી મૂર્તિકાર જી એલ ભટ્ટ 45 વર્ષથી મૂર્તિ બનાવવાનું કામ કરી રહ્યા છે. મૂર્તિ બનાવવાની કળાના કારણે તે દેશ-વિદેશમાં ખુબ જ પ્રસિદ્ધ છે. તે ભારતીય શિલ્પકલાની 120 પ્રદર્શની રજૂ કરી ચૂક્યા છે. જીએલ ભટ્ટને 50થી વધારે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. જીએલ ભટ્ટે ભગવાન રામની શ્યામ રંગની મૂર્તિ બનાવી છે, જેની લંબાઈ 4 ફૂટ છે, આ મૂર્તિ બાળ સ્વરૂપમાં છે. તેમાં ભગવાન રામનો ચહેરો હસતો અને હાથમાં ધનૂષ જોવા મળશે.
સત્યનારાયણ પાંડે
સત્યનારાયણ પાંડે રાજસ્થાનના પ્રસિદ્ધ મૂર્તિકાર છે. તે આરસની મૂર્તિઓના અગ્રણી ઉત્પાદક-નિકાસકાર છે. સત્યનારાયણ એવા શિલ્પો બનાવે છે જેમાં પરંપરાગત કલા અને સમકાલીન મહત્વનું મિશ્રણ હોય. તે કટિંગ, પોલિસિંગ અને ફેન્સિંગ માટે ઓળખાય છે. સત્યનારાયણ મકરાણા પથ્થરમાંથી મૂર્તિઓ બનાવતા આવ્યા છે. તેમને થોડા જ દાયકામાં મોટા મૂર્તિકાર તરીકે ઓળખ ઉભી કરી છે. તેમનો દાવો છે કે તેમને ભગવાન રામની મૂર્તિ બનાવવા માટે સૌથી સારા પથ્થરને પસંદ કર્યો છે. તેમના દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિમાં ભગવાનના મુખ પર હાસ્ય છલકતુ જોવા મળશે. તે વિશેષ આરસના પથ્થરમાંથી તૈયાર કરવામાં આવી છે અને દાવો છે કે તે ક્યારેય ખરાબ નહીં થાય.