સ્પેસ-એક્સ અને ઇસરો માટે આ કરાર ખૂબ મહત્વપૂર્ણ અને પરિવર્તનકારી છે, કારણ કે ભારત ભારે સેટેલાઇટ લોન્ચ કરવા માટે હજુ સુધી ફ્રાન્સના નેતૃત્વવાળા એરિયનસ્પેસ કોન્સોર્ટિયમ પર ખૂબ જ નિર્ભર હતું. જીસેટ-20 સેટેલાઈટનું નામ જીસેટ-એન2 હશે. આ સેટેલાઈટ લોન્ચ થયા પછી દેશ આંતરિયાળ વિસ્તારોમાં પણ બ્રોન્ડબેન્ડ ઈન્ટરનેટ સેવા પહોંચાડશે
વિશ્વભરમાં અંતરિક્ષ ક્ષેત્રમાં એક સમયે અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને જાપાન જેવા દેશોનું વર્ચસ્વ હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની હરણફાળ પ્રગતિ જોઈને દુનિયાભરના દેશો આશ્ચર્યમાં પડી ગયા છે. ભારતની અંતરિક્ષ સંસ્થા – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઇસરો)એ વર્ષ 2023માં ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. આ સિદ્ધિઓના ઉત્સાહમાં હવે ઇસરો નવા મિશનો તરફ આગળ વધી રહ્યું છે. ઇસરો 2024માં ફરી એક વાર ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે. આ વખતે ઇસરોએ અંતિરક્ષમાં ઇતિહાસ રચવા માટે, વિશ્વની નંબર વન સ્પેસ(અંતરિક્ષ) કંપની સ્પેસ-એક્સ સાથે હાથ મિલાવ્યા છે. ઇસરો વર્ષ 2024માં પોતાના કોમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-20ને અંતરિક્ષ કંપની સ્પેસ-એક્સની મદદથી લોન્ચ કરશે. આ જાહેરાત બુધવારે ઇસરોના કોમર્શિયલ પાર્ટનર ન્યુસ્પેસ ઈન્ડિયા લિમિટેડ(એનએસઆઈએલ)એ કરી છે. આ માટે ઇસરોની ભાગીદાર ન્યૂસ્પેસ ઈન્ડિયા કંપની અને સ્પેસ-એક્સ વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આ સેટેલાઈટ એપ્રિલ-જૂન 2024 દરમિયાન લોન્ચ થઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
હવે એ પણ જાણવું જરુરી છે કે આ મિશનની વિશેષતા શું-શું છે ?
ઇસરોના ઇતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું છે, જ્યારે ઇસરો પોતાના કોઇ મિશનને લોન્ચ કરવા માટે અમેરિકાની અંતિરક્ષ કંપની સ્પેસ-એક્સના ફાલ્કન-9 હેવી લિફ્ટ લોન્ચરનો પ્રયોગ કરશે. સ્પેસ-એક્સ કંપની – વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની કંપની છે, જેની સ્થાપના મસ્કે 2002માં કરી હતી. ઇસરોના મહત્વકાંક્ષી સેટેલાઈટ જીસેટ-20ને ફાલ્કન-9 રોકેટની મદદથી અમેરિકાના ફ્લોરિડાથી અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
અહીંયા એ પણ જાણવું જરુરી છે કે, ભારત પોતાના રોકેટોમાં ચાર ટન વર્ગથી ઉપર જીસ્ટેશનરી ઓર્બિટમાં ખૂબ વજનવાળા સેટેલાઇટ્સને લોન્ચ કરવાની ક્ષમતા નથી. એટલા માટે ઇસરોએ આ પ્રકારના સેટેલાઇટ લોન્ચ કરવા એલન મસ્કની કંપની સ્પેસ-એક્સની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાં, આ પ્રકારના સેટેલાઈટ લોન્ચ કરવા માટે ભારત ફ્રાન્સની સ્પેસ એજન્સી પર નિર્ભર હતું. કેમ ભારતની સ્પેસ એજન્સી ઇસરો 4 ટનથી ઓછા વજનવાળા સેટેલાઈટને જ પૃથ્વીથી ઉપરની કક્ષામાં શિફ્ટ કરી શકે છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઇસરો)ના ચેરમેન એસ.સોમનાથે કહ્યું છે કે, ભારતીય અંતરિક્ષ એજન્સીને સ્પેસ-એક્સની પાસે જવું પડ્યું છે, કારણ કે નિર્ધારીત સમય પર અન્ય કોઈ રોકેટ ઉપલબ્ધ હતા નહીં. સ્પેસ-એક્સ અને ઇસરો માટે આ કરાર ખૂબ મહત્વપૂર્ણ અને પરિવર્તનકારી છે. કારણ કે ભારત ભારે સેટેલાઇટ લોન્ચ કરવા માટે હજુ સુધી ફ્રાન્સના નેતૃત્વવાળા એરિયનસ્પેસ કોન્સોર્ટિયમ પર ખૂબ જ નિર્ભર હતું. જીસેટ-20 સેટેલાઈટનું નામ જીસેટ-એન2 હશે અને આ અનિવાર્ય રીતે આંતરિક વિસ્તારોમાં પણ બ્રોન્ડબેન્ડ ઈન્ટરનેટ સેવા પહોંચાડશે.
ઇસરોની કોમર્શિયલ કંપની ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડના કહેવા પ્રમાણે, જીસેટ-20 સેટેલાઈટનું વજન લગભગ 4.7 ટન એટલે 4700 કિલોગ્રામ છે. આ સેટેલાઇટ Ka-Ka બેન્ડ દ્વારા 32 બીમ વાળા હાઇ થ્રુપુટ(એચટીએસ) કેપેસિટી ઉપલબ્ધ કરાવાશે, જે આંદોમાન-નિકોબાર, જમ્મુ-કાશ્મરી અને લક્ષદ્વીપ સહિત આખા ભારતને કવરેજ આપશે. તેની એચટીએસ લગભગ 48 જીબીપીએસ રહેશે. આ સેટેલાઇટ ખાસ કરીને રિમોટ(આંતરિયાળ) કે અનકનેક્ટેડ રીજિયનની સર્વિસ ડિમાન્ડ પુરી કરશે.
આમ, ઇસરો અને એલન મસ્કની કંપની સ્પેસ-એક્સના નવા સાહસથી દેશના આંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ થશે, જેના પ્રગતિના નવા સીમાસ્તંભો સ્થપાશે.