બે દેશો વચ્ચે પહેલી વાર સોશિયલ નેટવર્ક પર યુદ્ધ લડાયું છે. સામાન્ય રીતે પ્રતિસ્પર્ધી રાજકીય નેતાઓ વચ્ચે કે રાજકીય જૂથો વચ્ચે સામસામે ટ્વિટ્સનો મારો ચલાવાય છે અને થોડા સમયમાં બધું શાંત પડી જાય છે. આ વખતે પહેલી વાર એવું બન્યું કે બે દશો વચ્ચે સોશિયલ મીડિયા પર ‘લડાઈ’ થઈ! અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હાર્યા ત્યારે તેમના સમર્થકો અને જીતેલા પ્રમુખ બાઇડનના ટેકેદારો વચ્ચે સોશિયલ નેટવર્ક પર વોર ફાટી નીકળ્યું હતું, જેમાં બંને પક્ષે આશરે બબ્બે હજાર લોકો જોડાયા હતા.
ચીનના જોરે કૂદતા માલદીવ્ઝ સામેની લડાઇ ભારતના સોશિયલ નેટવર્કે એવી લડી કે ભારતવિરોધી નિવેદનો કરી રહેલા આ ટચુકડા દેશના ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કરી દેવા પડયા. ભારત સરકાર માલદીવ્ઝ સામે કોઇ વ્યૂહરચના અપનાવે તે પહેલાં તો ‘બોયકોટ માલદીવ્ઝ’નો ટ્રેન્ડ ઘાતક શસ્ત્ર સાબિત થયો.
બંને પક્ષના નેતાઓ અને ભારતના નેટિઝન્સે ત્વરિત પ્રત્યાઘાત આપ્યા અને માલદીવ્ઝને એવું સાણસામાં લીધું હતું કે સાંજ પડતાં પડતાં તો વિવાદાસ્પદ નિવેદનો કરનારા ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કરી દેવા પડયા. માલદીવ્ઝ સામેની ભારતીય ફોજમાં બોલિવુડ પણ જોડાયું હતું. માલદીવ્ઝના પ્રવાસનું પ્લાનિંગ કરીને બેઠેલા લોકો ધડાધડ ફલાઇટ અને હોટલનાં બુકીંંગ કેન્સલ કરવા માંડયા હતા.
માલદીવ્ઝના નવા પ્રમુખ ચીનતરફી છે એટલે જ્યારથી તેમણે સત્તા સંભાળી છે ત્યારથી તેમને માલદીવ્ઝમાં રહેલા ભારતીય ફૌજીઓ આંખના કણાની જેમ ખૂંચી રહ્યા છે. માલદીવ્ઝ ચીનની નજીક સરકતાં જ વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાતનો દાવ ખેલ્યો હતો. માલદીવ્ઝ અને ભારત વચ્ચે કોલ્ડ વોર શરૂ થઇ હતી. મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લઇને ત્યાંના વાતાવરણના વખાણ કર્યા ત્યારથી મામલો બીચક્યો હતો. વડાપ્રધાન મોદીએ લોકોને માલદીવ્ઝ નહીં જવા ક્યારેય કહ્યું નથી. એમણે તો લક્ષદ્વીપમાં દરિયાકિનારે આરામ ફરમાવતા અને દરિયામાં ડૂબકી લગાવતા પોતાના ફોટા શેર કર્યા હતા અને લક્ષદ્વીપને બેસ્ટ ગણાવ્યું હતું.
મોદીની લક્ષદ્વીપ વિઝિટ ધાર્યા કરતાં વહેલી વિવાદમાં સરી પડી. માલદીવ્ઝમાં ભારતના પ્રવાસીઓ બહુ મોટા પાયે ઉમટે છે. માલદીવ્ઝનું આર્થિક તંત્ર ભારતના પ્રવાસીઓના જોરે ધબકી રહ્યું છે. વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાતથી માલદીવ્ઝને પેટમાં એટલા માટે દુખે છે કે મોદીની તસવીરો અને કમેન્ટ્સ લક્ષદ્વીપમાં ટુરીઝમ વધારી શકે છે. લક્ષદ્વીપમાં પ્રવાસીઓ વધે એટલે માલદીવ્ઝને સીધો ફટકો પડે.
સામાન્ય રીતે વૈશ્વિક વિવાદોથી દૂર રહેતું બોલિવુડ આ વખતે તરત ભારતની તરફેણમાં ધસી આવ્યું હતું. સ્ટાર્સ દ્વારા માલદીવ્ઝના નેતાઓને બાલવામાં સંયમ રાખવાની સૂચના અપાઈ. અરે, માલદીવ્ઝમાં ચાલતાં શૂટિંગ રદ કરવા સુધી વાત પહોંચી ગઈ હતી.
માલદીવ્ઝનું આર્થિક તંત્ર ટુરીઝમ આધારિત છે. જો ‘બોયકોટ માલદીવ્ઝ’ હકીકત બને તો માલદીવ્ઝે ભારતને હાથ જોડવા પડે તેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. માલદીવ્ઝ ટુરીઝમના જણાવ્યા અનુસાર નવેમ્બર ૨૦૨૩માં ભારતથી ૧,૬૧,૭૫૧ પ્રવાસી આવ્યા હતા. માલદીવ્ઝના પ્રધાનોએ વડાપ્રધાન મોદી માટે સોશિયલ નેટવર્ક એક્સ (અગાઉ ટ્વિટર) પર એલફેલ ટ્વિટ કરતાં હજારો ભારતીયોે, અગાઉ કહ્યું તેમ, તેમની માલદીવ્ઝની મુલાકાત કેન્સલ કરાવી ચૂક્યા છે.
૧૯૮૮થી ભારત અને માલદીવ્ઝ વચ્ચે સારી મિત્રતા હતી. મોદી સરકારે માલદીવ્ઝને આર્થિક સહાય તરીકે ૧૦૦ મિલિયન ડોલર પણ ફાળવ્યા હતા. આ ચીનની માફક કોઈ ‘લોન ટ્રેપ’ નહોતું, આ એક જેન્યુઇન મદદ હતી. ૧૯૮૭માં તમિળ ટાઇગર ફોર્સે માલદીવ્ઝ પર કબજો લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતે તેને બચાવ્યું હતું.
છતાં ચીનના ખીલે કૂદતા નવા પ્રમુખ ભારતને આંખ બતાવવા લાગ્યા હતા. માલદીવ્ઝની સરકારે તેમના પ્રધાનોનાં નિવેદનોને અંગત ગણાવ્યા ને તેમની વિરુદ્ધ કડક પગલાં લઈ પાટાપીંડી કરવાની કોશિશ પણ કરી. ખરે, ભારતના સોશિયલ નેટવર્કના ફોજનો આક્રમક મિજાજ માલદીવ્ઝ ક્યારેય ભૂલી શકવાનું નથી.