નવી દિલ્હી ભાજપે લોકસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારો અંગે મંથન શરૂ કર્યું છે. ‘મોદીની ગેરન્ટી’ના સૂત્રના સહારે પક્ષ વિજય નિશ્ચિત કરવા માટે માત્ર 2 ટકા જેટલું જ હાર-જીતનું અંતર રહ્યું હતું એ 48 બેઠક પર કદાવર નેતાઓને ઉતારવાની યોજના ઘડી રહ્યો છે. બીજી તરફ 35-52 ટકાથી વધુના અંતરથી જીતેલી બેઠકો પર નવા ઉમેદવારોને તક અપાશે. ગત ચૂંટણીમાં 0.2થી 1.91 ટકા સુધી કુલ 48 લોકસભા બેઠકો પર પક્ષની હાર-જીત થઈ હતી. તેમાં ઉત્તરપ્રદેશની 10 બેઠક પરથી ભાજપ જીત્યો હતો. 48માંથી 27 બેઠક પરના ઉમેદવારો 1 ટકાથી ઓછા અંતરે ચૂંટણી જીત્યા હતા જ્યારે જીતનું 35 ટકાથી વધુ અંતર ધરાવતી 50માંથી 40થી વધુ બેઠક ભાજપે જીતી હતી. ભાજપના ચૂંટણી અભિયાન સાથે સંકળાયેલા નેતાના કહેવા પ્રમાણે ઓડિશા, તમિળનાડુ, તેલંગાણા, આસામા અને બંગાળ વગેરે રાજ્યોમાં આ વખતે કદાવર નેતાઓને ઉતારાશે. ઉત્તરપ્રદેશ-બિહારની કેટલીક બેઠકો પર પણ એ જ પ્રયોગ કરાશે. મહારાષ્ટ્ર-બિહારમાં રાજકીય સમીકરણ આંકડાની દૃષ્ટિએ અઘરું જોવાઈ રહ્યું છે, આથી અહીં વધુ અંતરથી જીતેલી અડધો ડઝન બેઠકો પર મજબૂત ઉમેદવાર ઉતારાશે.
40 બેઠક પરનો ફેરફાર મોટું પરિવર્તન લાવી શકે છે
2019માં ભાજપે 303 બેઠક જીતી હતી. 240 બેઠક અન્ય પક્ષ જીત્યા હતા. તેમાંથી કેટલીક બેઠકો એનડીએ, કેટલીક યુપીઓ તો કેટલીક અન્ય પક્ષોની હતી. પરિણામે 40 બેઠક પરનો ફેરફાર મોટું પરિવર્તન લાવી શકે છે. આ હિસાબે 2%થી ઓછા માર્જિનવાળી 48 બેઠક મહત્ત્વની બની જાય છે. બિહારમાં નીતીશવિરોધી જૂથમાં ભળી ગયા છે. મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપીના બે ફાડચા થઈ ગયા છે. હિન્દી પટ્ટો અને ગુજરાતમાં ભાજપ મહત્તમ બેઠકો મેળવી ચૂક્યો છે. જે બેઠકો પર 35%થી વધુ ટકાવારીથી જીતી છે તેમાંથી 42 ભાજપ પાસે છે.
હાર-જીતનું ક્યાં-કેટલું અંતર હતું?
- મછલીશહર, મેરઠ, શ્રાવસ્તી, મુઝફ્ફરનગર, સહારનપુર, બદાયૂં, બલિયા, સુલતાનપુર, ચન્દ્રૌલી, કન્નોજ જેવી બેઠકો પર હાર-જીતનું અંતર 2 ટકા (લગભગ 17 હજાર કે ઓછા મત) હતું.
- એલ્લપી, ઝારગ્રામ, સંબલપુર, વેલ્લોર, મલ્કાગિરી, વિજયવાડા, અંદામાન-નિકોબાર, માલદા દક્ષિણ, રોહતક, કાંકેર, ઝાહિરાબાદ, શ્રીકાકુલમ્, ભોંગીર, ઔરંગાબાદ, વિશાખાપટ્ટનમ્, ગુંટુર, ચિદમ્બરમ્, ઝહાનાબાદ, ચામરાજનગર વગેરે બેઠકો પર જીત 1 ટકાથી વધુ મતે થઈ હતી.
- ભાજપ 24 બેઠક પર 35 ટકાથી વધુ અને 40 ટકાથી 49 ટકા સુધીના માર્જિનથી જીત્યો હતો. નવસારી, સુરત અને કરનાલમાં જીત 50 ટકાથી વધુ મતમાર્જિનથી થઈ હતી.
5 રાજ્યની 188 બેઠક પર સંમતિ શક્ય
વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના પક્ષોમાં બેઠક ફાળવણી મુદ્દે મહામંથનનો તબક્કો ચાલી રહ્યો છે. પંજાબ અને દિલ્હીની 20 બેઠક પર સંમતિની નજીક પહોંચ્યા પછી કૉંગ્રેસે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની 168 બેઠકનું ગણિત બેસાડવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સૌથી રસપ્રદ તબક્કો યુપીની 80 બેઠકનો છે. કૉંગ્રેસે ભાજપના ઉમેદવાર સામે વિપક્ષના સશક્ત ઉમેદવાર ઉતારવાનું બીડું ઝડપ્યું છે. વાતચીતના સૂત્રધારો પૈકીના એકે ભાસ્કરને જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપને મજબૂત ટક્કર આપવા માટે બસપાને સાથે રાખવો જરૂરી છે. વાતચીત 80માંથી 76 બેઠકે પહોંચી છે.
4 બેઠક ગાંધી પરિવાર માટે છે. આ વખતે વરુણ અને મેનકા ગાંધી પણ ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં નહીં હોય તેવી ધારણા વિપક્ષી જૂથે બાંધી છે. આ સ્થિતિમાં રાયબરેલી, અમેઠી ઉપરાંત પીલીભીત અને સુલતાનપુર ઉપર પણ સામૂહિક નિર્ણયો લેવા પડશે. બાકીની બેઠકો માટે સપા સાથે કૉંગ્રેસ વાતચીત કરશે. સૂત્રોના કહેવા પ્રમાણે કૉંગ્રેસ અને બસપાને સાથે નહીં રખાય તો ત્રિકોણિયો જંગ ખેલાશે અને ભાજપનો માર્ગ મોકળો બની જશે. સપા કોઈ પણ રીતે બસપા સાથે વાતચીત કરવાના મૂડમાં નથી. આ સ્થિતિમાં કૉંગ્રેસે બસપાની સાથે મળીને સપા સાથે બેઠકોનો સોદો કરવાની રણનીતિ ઘડી છે. એટલે કે કૉંગ્રેસે માત્ર પોતાના માટે જ નહીં રાષ્ટ્રીય લોકદળ અને બસપા માટે પણ બેઠક માગવાની ફોર્મ્યૂલા ઘડી છે.
બિહાર રાજદ-જદયુને 16-16 બેઠક બિહારમાં બેઠક ફાળવણીમાં સફળતા મળ્યાના સમાચાર છે. રાજ્યની 40માંથી રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ (યુ)ને 16-16 બેઠક મળી શકે છે જ્યારે કૉંગ્રેસ અને ડાબેરી જૂથોને 8 બેઠક પર ચૂંટણી લડવા માટે સહમતી જોવાઈ રહી છે.
મહારાષ્ટ્ર કૉંગ્રેસ-શિવસેના 20-20 બેઠક પર લડશે લોકસભામાં 48 સભ્ય મોકલનારા મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને શિવસેનાને 20-20 અને એનસીપી તથા અન્યને 8 બેઠક મળી શકે છે.
દિલ્હી-પંજાબ કૉંગ્રેસ-આપને અડધી-અડધી બેઠકો દિલ્હી-પંજાબની 20માંથી કૉંગ્રેસ અને આપને અડધી-અડધી બેઠકો મળી શકે છે. પંજાબમાં કૉંગ્રેસ 6-7 જ્યારે દિલ્હીમાં આપ 3-4 બેઠક પર ચૂંટણી લડશે.