માલદીવ્સનું નામ ધનાઢ્ય ભારતીયોમાં ખાસ અજાણ્યુ ન હતું. ભારતના છેડે સમુદ્રમાં દૂર આવેલો ટાપુ દેશ હનિમૂન ડેસ્ટિનેશન તરીકે ખાસ્સો પોપ્યુલર થયો છે. એમાંય ભારતમાં જેમને સુંદર સમુદ્ર કાંઠો ન મળતો હોય એ બોલિવૂડ સ્ટાર, સેલિબ્રિટી, ઉદ્યોગપતિઓ ત્યાં અવારનવાર વેકેશન ગાળવા જાય છે. એ તો થઈ પ્રવાસનની વાત. પણ ભારત માટે આ દેશ બીજી રીતે મહત્ત્વનો છે.
હિંદ મહાસાગરમાં તેનું સ્થાન મોકાનું છે. હિંદ મહાસાગરમાં કબજો જમાવવા માંગતું ચીન વર્ષોથી માલદીવ્સને પંપાળે છે, જેથી પોતાના નૌકા જહાજો ત્યાં ગોઠવી શકે. માલદીવ્સમાં કાયમી ધોરણે નૌકા મથક સ્થાપવાની પણ ચીનની યોજના છે. પરંતુ એ બધી યોજના આસાનીથી પાર પડતી નથી. કેમ કૈ ચીનની નીતિ સામે ભારત પણ પોતાની નીતિ અપનાવે છે. વર્ષોથી ચાલતી આ સ્થિતિમાં હમણાં પરિવર્તન આવ્યું છે. નવા આવેલા પ્રમુખ મુઈઝુ સ્પષ્ટ રીતે ચીનના પક્ષધર છે. ભારત નારાજ થાય, ભારત તરફી માલદીવ્સની જનતા નારાજ થાય કે પછી ભારત તરફી માલદીવ્સનો વિપક્ષ નારાજ થાય તેમની તેમને જરાય પરવા નથી. તેમનું વલણ જોતાં સ્પષ્ટ છે કે તેમને દેશની જરાય ચિંતા નથી. દેશ વહેલી તકે ડૂબે એવાં પગલાં એ ભરી રહ્યા છે. જોકે માલદીવ્સમાં વિપક્ષ સાબુત છે એટલે તેમણે મુઈઝુ સામે આકરુ વલણ દાખવ્યુ છે. એટલું જ નહીં મુઇઝુને પદભ્રષ્ટ (ઈમ્પિચ) કરવા સુધીની તૈયારી આદરી છે.
સંસદમાં ઇમ્પિચમેન્ટની પ્રક્રિયા ન ચાલે એટલે મારામારી સુધીની બબાલ થઈ અને તેનો વીડિયો આખા જગતે જોયો. હવે માલદીવ્સમાં ભારત તરફી અને ભારત વિરોધી એવી બે સ્પષ્ટ ટીમો પડી ગઈ છે. ભારત વિરોધી (અને ચીન તરફી) લોબીના પ્રમુખ મુઈઝુ પોતે છે. માટે હાલ તો એમનું પલ્લડું ભારે છે. વિપક્ષ ગમે તેટલા ધમપછાડા કરે તો પણ ભારત તરફી નિર્ણયો નહીં લેવા હોય તો નહીં જ લે.
બબાલ થવાનું કારણ માલદીવ્સ પ્રમુખે થોડા દિવસ પહેલા ચીની જહાજને આપેલી છૂટ છે. ચીન તેનું સંશોધક જહાજ (જે મૂળ તો જાસૂસીનું કામ કરે છે) માલદીવ્સમાં લાંબો સમય રાખવા માંગે છે. ભારત સ્વાભાવિક જ તેનો વિરોધ કરે છે. માલદીવ્સમાં રહેલા ભારતીય સમર્થકો પણ તેનો વિરોધ કરે છે. પણ મુઈઝુને ચીને સંપૂર્ણપણે વશ કરી લીધા છે. એટલે તેમણે જહાજને લંગાવરાની મંજૂરી આપતો પ્રસ્તાવ સંસદમાં પાસ કરી દીધો. એ પછી વિપક્ષના કેટલાક સભ્યો હવે પ્રમુખ સામે મહાભિયોગ (ઈમ્પિચમેન્ટ) ની કાર્યવાહી કરવાની ઈચ્છા ધરાવી રહ્યા છે. 28મી જાન્યુઆરીએ એ પ્રક્રિયા દરમિયાન જ સંસદમાં મારા- મારી થઈ.
માલદીવ્સને પીવાનું પાણી પણ ભારતે આપ્યું છે
કોઈ દેશે બીજા ક્યા દેશ સાથે કેવા સંબંધો રાખવા એ પોતાની રીતે નક્કી કરવાનું હોય છે. માલદીવ્સ પણ વર્ષોથી વિદેશનીતિ બાબતે સ્વતંત્ર છે. પણ એ વાતની કોઈ ના કહી શકે એમ નથી કે માલદીવ્સને જ્યારે જરૂર પડી ત્યારે સૌથી પહેલી મદદ કરી છે. ચીન મદદ ન કરી શકે એના મુખ્ય બે કારણો છે. ભૌગોલિક રીતે ચીન માલદીવ્સથી દૂર છે. બીજુ કારણ કે ચીનને મદદ કરવી જ એવી ચીનની દાનત હોય એ જરૂરી નથી. એક સમયે માલદીવ્સ પાસે પીવાનું પાણી ન હતું ત્યારે ભારતે નૌકાદળના ટેન્કર જહાજો ભરીને શુદ્ધ પાણી મોકલ્યું હતું. 2014માં પાટનગર માલેનો મુખ્ય પાણીનો પ્લાન્ટ બગડી ગયો હતો. . પાણી વચ્ચે રહેતાં દેશ પાસે પીવાનું પાણી હતું નહીં. એટલે ભારતે 1200 ટન પાણીની તુરંત સગવડ કરી મોકલી આપ્યુ હતું. ભારત સાથે માલદીવ્સને છેક 1965થી રાજદ્વારી સંબંધો છે. એમાંય 2008 પછી તો સંબંધો સતત વિકસ્યા છે. માલદીવ્સ પાસે પ્રવાસીઓને આકર્ષવા સિવાય કંઈ નથી. એટલે બાંધકામ કરવા થય કે બીજી સુવિધાઓ વિકસાવવી હોય એ અન્ય દેશો પર આધારિત છે.
મોકાનું સ્થાન
માલદીવ્સનું મહત્ત્વ તેના સ્થાનને કારણે છે. અરબ સાગરમાં પ્રવેશતા જહાજોને માલદીવ્સની નજરમાંથી પસાર થવું પડે. ભારતે એટલે વર્ષોથી માલદીવ્સમાં લશ્કરી હાજરી રાખી છે. બીજી તરફ ચીન હવે હિન્દ મહાસાગરમાં અને ખાસ તો ભારતની નજીક અરબ સાગરમાં પોતાની આણ વધારવા માંગે છે. માટે માલદીવ્સ અને એવા ભારત ફરતેના બીજા રાષ્ટ્રોમાં પોતાના થાણા સ્થાપી રહ્યું છે.
નવા પ્રમુખની નવી (અ)નીતિ!
નવેમ્બર 2023માં મોહમ્મદ મુઈઝુએ માલદીવ્સની સત્તા સંભાળી. એ પછી તુરંત ભારત વિરોધી અને ચીન તરફી નિર્ણયો લેવા માંડ્યા. ચીનની મુલાકાત લીધા પછી તો એવુય કહ્યું કે માલદીવ્સ કોઈ દેશનો બેકયાર્ડ (વાડો) નથી, જ્યાં તમે ગમે તે નાખી શકો. ઈશારો ભારત તરફ હતો. એ પછી મુઈઝુએ કહ્યુ કે ત્યાં રહેલા ભારતીય સૈનિકોએ વહેલી તકે દેશ છોડી દેવો. બેશક નવા પ્રમુખને પોતાની વિદેશનીતિ નવી રીતે ઘડવાનો, અમલ કરવાનો અધિકાર હોય જ. પણ મુઈઝુની નીતિ હકીકકતે તો અનીતિ છે એ સમજવામાં કંઈ રોકેટ સાયન્સની જરૂર નથી.
ચીનની એ રીત રહી છે કે નાના દેશોને અઢળક લોન આપવી, સુવિધાઓ વિકસાવી દેવી અને આડકતરી રીતે એ દેશને પોતાના તાબામાં રાખવો. ચીનને હાલ તો એમાં સફળતા મળી છે. અને મુઈઝઝુ પણજ એમના ખીલે કુદે છે. પરંતુ એમને ખબર નથી કે ચીન વહેલા મોડો એ દેશને દેવામાં ડૂબાડી દેશે અને પછી એના હાલ પર છોડી દેશે. એ વખતે ભારત જેવા દેશો જ કામ લાગશે. અત્યારે જ માલદીવ્સ પર ચીનનું 1.37 અબજ ડોલરનું દેવું છે, જે કુલ દેવાના 20 ટકા જેટલુ છે. એટલે ચીને બરાબર માલદીવ્સને પકડમાં લઈ લીધું છે.
મુઈઝુ હવે બરાબરના ઘેરાયા છે. હજુ તો મહિનાઓ થયા ત્યાં તેમની સામે ફંડ ઊચાપતના નામે ગોલમાલ કર્યાનો આક્ષેપ થયો છે. એટલુ ઓછુ હોય એમ ભારત સામે શિંગડા ભરાવ્યા છે.
માલદીવ્સ હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ દેશ છે. ગ્લોબલ વોર્મિંગને કારણે તેનો ઘણો પ્રદેશ ડૂબી રહ્યો છે. હવે નવા પ્રમુખ મુઈઝુ તેને રાજકીય રીતે પણ ડૂબાડી રહ્યા છે! હવે તેમને જ ઈમ્પિચ કરવા સુધી વાત પહોંચી છે
માલદીવ્સઃ સંસ્કૃત ભાષામાંથી આવેલું નામ
માલદીવ્સ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે. મૂળ શબ્દ હતો માલદ્વિપા. એટલે કે દ્વિપ (ટાપુ) ની હારમાળા. માલદીવ્સનો નકશો જોઈએ તો એ હારમાળા સ્પષ્ટ દેખાય છે. હિન્દુ-બૌદ્ધ સંસ્કૃતિનો પ્રભાવ ત્યાં સદીઓ પહેલા હતો. સમય જતાં હવે મુસ્લીમ બહુમતિ ધરાવતુ રાષ્ટ્ર બન્યું છે.
પ્રવાસીઓમાં પ્રિય કેમ બન્યું?
માલદીવ્સની મુખ્ય ઓળખ પ્રવાસીઓને આવકારતા દેશ તરીકેની છે. ઘણા ટાપુ છે, ટાપુ કાંઠે સ્વચ્છ સમુદ્ર છે. સમુદ્રની વિવિધ રમતો છે અને દૂર સુધી ફેલાયેલા મહાસાગરો છે. માટે ઘણા પ્રવાસીઓ માલદીવ્સથી આકર્ષાયા છે. પ્રવાસીઓની સંખ્યા વધી એટલે પછી તો માલદીવ્સ સરકારે વિવિધ ટાપુ વચ્ચે લક્ઝરી હોડીઓ, નાના વિમાનો, અતી મોંઘા રિસોર્ટ્સ, બીજી સુવિધાઓ ઉભી કરી દીધી. પરિણામે જેમની પાસે અઢળક ધન હોય એ પ્રવાસીઓમાં માલદીવ્સનું આકર્ષણ ઉભું થયું. જોકે ભારત સાથેનો સંઘર્ષ તેને ભારે પડ્યો છે. એક તો વડા પ્રધાન મોદીએ લક્ષદ્વિપના કાંઠે સમય પસાર કરીને દેશવાસીઓને સંકેત આપ્યો કે માલદીવ્સનો સ્થાનિક વિકલ્પ આપણી પાસે છે. બીજી તરફ માલદીવ્સના કેટલાક પ્રધાનો અને સરકારે ભારત વિરોધી વલણ યથાવત રાખ્યુ. માટે અનેક ભારતીય પ્રવાસીઓએ માલદીવ્સની ટ્રીપો કેન્સલ કરી અથવા તો માલદીવ્સ જવાનો વિચાર માંડી વાળ્યો.
સીધી અસર એ થઈ છે કે માલદીવ્સમાં આવતા કુલ પ્રવાસીઓમાં ત્રીજા નંબરે સૌથી વધુ પ્રવાસીઓ ભારતના હતા. ભારત સાથેના સંઘર્ષ પછી એ નંબર પાંચમો થયો છે. એટલે કે માલદીવ્સ જતા ભારતીય પ્રવાસીઓ ઘટ્યા છે. બીજી તરફ માલદીવ્સ ટુરિઝમમાં જે ફાળો આપનારા પ્રથમ દસ દેશો હતા એમાં ચીન ન હતું, પણ ચીન ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.