પંજાબની ભગવંત માન સરકાર સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે રાજીનામુ આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું છે. પત્રમાં તેમણે કહ્યું છે, કે તેઓ કેટલાક અંગત કારણોસર અને પ્રતિબદ્ધતાઓને કારણે રાજીનામું આપી રહ્યા છે. રાજ્યપાલે કહ્યું કે હું પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકના પદ પરથી રાજીનામુ આપી રહ્યો છું. તેમણે એક દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
માન સરકાર અને રાજ્યપાલ વચ્ચે તણાવ
પંજાબની ભગવંત માન સરકાર અને રાજ્યપાલ વચ્ચે ઘણી બાબતો પર મતભેદ ચાલી રહ્યા હતા. માન સરકાર રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પણ પહોંચી હતી. બે દિવસ પહેલા પણ સીએમ માને રાજ્યપાલ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે રાજ્યપાલ અમને હેરાન કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં ચૂંટાયેલી સરકાર છે. અહીં ઈલેક્ટેડ રાજ કરશે કે, સિલેક્ટેડ રાજ કરશે. લોકતંત્રમાં ઈલેક્ટેડ રાજ ચાલે છે. પરંતુ કેટલાક લોકોને સિલેક્ટેડ રાજ કરવાની આદત પડી ગઈ છે. ભગવંત માન ચંદીગઢમાં મેયર ચૂંટણી મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યપાલ વાતવાતમાં કહી દે છે કે, આ કાયદેસર છે અને આ ગેરકાયદેસર છે. રાજ્યપાલ મમતા દીદીને બંગાળમાં અને અમને પંજાબમાં ખૂબ હેરાન કરે છે.
માન સરકાર રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પણ પહોંચી હતી
વિધાનસભામાં બિલ પાસ થવા છતાં રાજ્યપાલની મંજૂરી ન મળવા મામલે માન સરકાર સુપ્રીમ કોર્ટ પણ પહોંચી હતી. ત્યારબાદ રાજ્યપાલે પણ ત્રણ બિલને મંજૂરી આપી હતી. અનેક વખત રાજ્યપાલે ભગવંત માન વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત પણ કરી હતી. જોકે, બંને તાજેતરમાં ગણતંત્ર દિવસના અવસર પર મળ્યા હતા. મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યપાલની સામે ગીત ગાયું હતું અને રાજ્યપાલે પણ તેમની પ્રશંસા કરી હતી.
કોણ છે બનવારીલાલ પુરોહિત
ઓગષ્ટ 2021માં બનવારીલાલ પુરોહિતે પંજાબના 36માં રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રવિશંકર ઝાએ પંજાબ રાજભવનમાં બનવારીલાલ પુરોહિતને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા હતા. બનવારીલાલ પુરોહિત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે તણાવના કારણે ચર્ચામાં રહ્યા હતા. બનવારી લાલ પુરોહિત ત્રણ વખત લોકસભા સાંસદ રહ્યા છે અને મધ્ય ભારતનું સૌથી જૂનું અંગ્રેજી દૈનિક ‘ધ હિતવાદ’ના મેનેજિંગ એડિટર પણ રહી ચૂક્યા છે.