પીઠા ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત બહેનોએ વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન ના પ્રેરક ઉદબોધનને નિહાળ્યું
મહિલા સશક્તિકરણની જીવાદોરી સમાન સખીમંડળોની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં “વિકસિત ભારત, વિકસિત ગુજરાત” થીમ હેઠળ નારી શક્તિ વંદના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વસહાય જૂથો એટલે કે સખી મંડળની બહેનોને આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગરીબ-મધ્યવર્ગ, ખેડૂતો, યુવાનો સહિત મહિલાઓની ભાગીદારી પણ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમુદાય સહિત સમાજની મહિલાઓના સામાજિક, આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે પણ વિવિધ મહિલાલક્ષી યોજનાઓને આગળ ધપાવીને આદિવાસી સમાજની દીકરીઓ-મહિલાઓને સશક્ત કરવાના સુદ્રઢ પ્રયાસો કર્યા છે.
વધુમાં સાંસદ એ ઉમેર્યું કે, સરકારે મહિલાઓને વિકસિત ભારતની શક્તિ બનાવવા માટે તેમની શક્તિને ખિલવવાનું કાર્ય કર્યું છે, જેના પરિણામ સ્વરૂપે આજે બહેનો વહિવટી તંત્રના મહત્વપૂર્ણ હોદ્દાઓ અધિકારી તરીકે પોતાની ભૂમિકા અદા કરી રહી છે. દીકરીઓ આજે ડોક્ટર, ઇજનેર, આર્મીમાં જોડાઈ રહી છે, ગૃહ ઉદ્યોગ, નાાના ઉદ્યોગો શરૂ કરીને પગભર બનીને સ્વમાનભેર જીવન જીવી રહી છે. વધુમાં સાંસદએ કહ્યું કે, સરકારે આદિવાસી સમાજની મહિલાઓની ચિંતા કરી છે. ખેતી-પશુપાલન તથા દૂધ ઉત્પાદન ક્ષેત્રે જોડાઈને બહેનોની આવકમાં વધારો કરવા નક્કર પગલા લીધા છે. ટૂંકમાં સરકારે નારી શક્તિને ખિલવવાનુ કાર્ય કર્યુ છે.
કેન્દ્ર-રાજ્ય સરકારે આદિવાસી સમાજ અને મહિલાઓના ઉત્થાન માટે વિવિધ કાર્યક્રમો, ઝુંબેશો, યોજનાઓ અમલી બનાવીને પ્લેટફોર્મ પુરુ પાડ્યું છે. ત્યારે સમાજની મહિલાઓએ સંબંધિત વિભાગોની યોજનાકીય માહિતી અને લાભ મેળવીને વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે પોતાનુ અમૂલ્ય યોગદાન આપવા સાંસદ એ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પીઠા ગ્રાઉન્ડ પર બહોળા પ્રમાણમાં ઉપસ્થિત મહિલાઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પ્રેરક ઉદ્બોધન નિહાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદનાનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ પાટણ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે લાભાર્થી બહેનોએ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન થકી સ્વરોજગાર મેળવીને આત્મનિર્ભર બની છે. સખીમંડળની બહેનોએ એનઆરએલએમ થકી પોતાના જીવનમાં અનુભવેલા ગુણાત્મક પરિવર્તન અને અનુભૂતિને પીઠા ગ્રાઉન્ડ પર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બહેનો સમક્ષ પ્રસ્તૂત કરી હતી. આ વેળાએ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એન.આર.એલ.એમ. મહિલા લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારે ગુજરાતના લોકકલ્યાણના કામોને કેન્દ્રસ્થાને રાખીને આદિવાસી ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ, ગરીબ કલ્યાણ મેળાઓ સહિત નારી શક્તિ વંદના જેવા કાર્યક્રમમાં સ્વ સહાય બેનોને સહાય વિતરણ કરી મહિલાઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કર્યું છે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સામુહિત પ્રતિજ્ઞા લેવડાવી હતી.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગરીબ પરિવારોની બહેનો આત્મનિર્ભર બનીને દેશના વિકાસમાં યોગદાન આપે તેવા આશય સાથે બહેનો સશક્ત અને આત્મનિર્ભર બનાવવા એન.આર.એલ.એમ. થકી સ્વ સહાય જૂથની રચના કરવામાં આવી છે. આ જૂથોને આર્થિક પગભર બનાવવા માટે સરકાર દ્વારા રીવોલ્વિંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, કેશ ક્રેડીટ પુરું પાડવામાં આવે છે.
બહેનો સ્વ રોજગારની તાલીમ મેળવીને હેન્ડીક્રાફ્ટ, હેન્ડ એમ્રોઈડરી, દોરીકામ, મોતીકામ, આયુર્વેદીક દવાઓ, ખાદ્ય પદાર્થો બનાવવાની કૌશલ્ય વર્ધન આપવામાં આવે છે. વધુમાં બહેનો કેન્ટીન, હેન્ડીક્રાફ્ટ તથા વાસની બનાવટો બનાવીને આજીવિકા મેળવે છે. સ્વસહાય જુથોની બહેનો સરકારી કચેરીઓમાં કેન્ટીન ચલાવીને સારી આવક પ્રાપ્ત કરી રહ્યા છે.
આ પ્રસંગે દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ વસાવા, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન વાસવા, પૂર્વ વનમંત્રી મોતીભાઈ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત જિલ્લા-તાલુકાના અગ્રણીશ્રી, પદાધિકારીશ્રીઓ, પ્રાયોજના વહિવટદાર હનુલ ચૌધરી સહિત જિલ્લા-તાલુકાના સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત સ્વ સહાય જૂથની અને દેડિયાપાડા-સાગબારાની બહેનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નજરે પડી હતી.