કપડવંજ શહેરમાં આવેલા ઇસ્લામપુરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતું પીવાના પાણીમાં ગટરના દૂષિત પાણી ભળી જતા પાણી પીવાથી વિસ્તારના 50 થી વધુ લોકો કમળાના રોગમાં ધકેલાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજ નગરપાલિકાના વોર્ડ 7 ના ઇસ્લામપુરા વિસ્તારમાં એક સાથે 50 થી વધુ કમળાના કેસો નોંધાતા તંત્ર દોડતું થયું છે. કપડવંજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે.તેમજ હાલ અસરગ્રસ્તોને કપડવંજની સહયોગ હોસ્પિટલ અને ધનુષ હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી રહી છે. છ માસ અગાઉ પણ આ જ વિસ્તારમાં રહેણાંક મકાનોના પાણીના નળોમાં દૂષિત પાણી ગટર લીકેજના કારણે આવી રહ્યું હતું ત્યારે નગરપાલિકા દ્વારા સમારકામ કરાવી સત્વરે યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જ્યારે ફરી એકવાર આ જ વિસ્તારમાં પીવાના પાણીના નળોમાં ગટરના દૂષિત પાણી ભળી જતાં નળોમાં દૂષિત પાણી આવી રહ્યા છે ત્યારે આ જ પાણી પીવાથીવિસ્તારના 50 થી વધુ રહીશો જેમાં નાના ભૂલકાથી લઈ મોટેરાઓ પણ કમળા જેવા ગંભીર પાણીજન્ય રોગમાં સપડાયા છે જેને શહેરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવામાં આવી રહી છે. બીજી બાજુ કપડવંજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઇસ્લામપુરા વિસ્તારમાં સર્વે હાથ ધરી કામગીરી કરવામાં આવી રહી છે.
તાલુકા હેલ્થ અધિકારી ડો. અંકુર પટેલ અને અર્બન હેલ્થ સેન્ટરના ડો. ફેઝાન મોમીને જણાવ્યું હતું કે અમારી ટીમ દ્વારા ઇસ્લામપુરાના અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યની નવ ટીમો દ્વારા ઘરે ઘરે ફરી પાણીમાં ક્લોરિન નાખી પાણીજન્ય રોગ અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમજ કેટલા રહીશો કમળાનો ભોગ બન્યા છે તે અંગે પણ હાલના તબક્કે સર્વે હાથ ધરાયો છે.