રામપુરા રણછોડ રાય મંદિરથી પરિક્ર્મા શરૂ થઈને શહેરાવ ઘાટ નર્મદા નદી ઉપર હંગામી બ્રિજ પરથી પસાર થઈ રેંગણ ઘાટ નદી પાર કરીને નાવડી મારફતે કિડી મંકોડી ઘાટ રામપુરા ખાતે પૂર્ણ થશે
પરિક્રમા માટે ટેમ્પરરી સ્ટ્રકચર એન્ડ રીલેટેડ ઈન્ફાસ્ટ્રકચર એન્ડ ઈલેકટ્રોફિકેશન અંગેની કામગીરી માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એમ.એસ. લાલુજી એન્ડ સન્સ એજન્સીને વર્ક ઓર્ડર આપેલ છે
નર્મદા જિલ્લામાં નર્મદા નદી કિનારે પંચકોશી ઉત્તરવાહીની પરિક્રમા દરવર્ષે ચૈત્ર સુદ એકમથી ચૈદ વદ અમાસ સુધી એટલે કે આગામી તારીખ ૮ મી એપ્રિલથી ૮ મી મે ૨૦૨૪ દરમ્યાન પરિક્રમા યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો આ પરિક્રમામાં જોડાય છે.
ઉત્તરવાહીની પરિક્રમાના સુચારૂ સંચાલન એવમ આયોજન અમલવારી અંગે વિવિધ-૧૬ જેટલી સમિતિઓની રચના કરીને જિલ્લાના અધિકારીઓને કામગીરીની વહેંચણી કરીને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં ગઈકાલે તા. ૨/૪/૨૦૨૪ ના રોજ સાંજે ૫ કલાકે કલેક્ટર કચેરી સભાખંડમાં મહત્વની બેઠક મળી હતી. જેમાં પરિક્રમા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા અને પરામર્શ કરવામાં આવ્યો હતો. અને શ્રદ્ધાળુઓને પરિક્રમાવાસીઓને કોઈ તકલીફ અગવડ ન પડે તે અંગે ચર્ચા કરાઈ હતી અને પરિક્રમા શાંતિપૂર્ણ વાતારવણમાં પ્રારંભ થાય અને પૂર્ણ થાય તે અંગે કાર્યયોજના ઘડવામાં આવી હતી.
સમગ્ર ઉત્તરવાહિની નર્મદા પંચકોશી પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ભાવિક ભક્તોને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કાયદો-વ્યવસ્થાની સાથે શ્રદ્ધાળુઓની સલામતીની ચિંતા કરીને નર્મદા નદી પાર કરવા માટે લાયસન્સ ધરાવતી નાવડીમાં લાઈફજેકેટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવીને લોકોની સુરક્ષાની તંત્રએ ચિંતા કરી છે. વધુમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિત શ્રદ્ધાળુને જરૂરી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવીને યાત્રાળુઓની ભીડ નિયંત્રણ માટેની પણ સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ પરિક્રમાના સમગ્ર રૂટ તથા મુખ્ય ચાર ઘાટ તથા પાર્કિંગ સ્થળે એજન્સીના ખાનગી સિક્યુરીટી માણાસોની જરૂરિયાત અનુસાર નોડલ અધિકારીના સંકલનમાં કામગીરી સોંપણીની વ્યવસ્થા, પરિક્રમાના શરૂઆતના પોઈન્ટ (રામપુરા) સહિત પાર્કિંગ સ્થળ નક્કી કરવા તેમજ એજન્સી સાથે સંકલનમાં રહી યોગ્ય સાઈન બોર્ડ, બ્રાડીંગ યોગ્ય સાઇઝના સાઇન બોર્ડ તથા સતત ટીમ હાજર રહે તે માટે યોગ્ય વ્યવસ્થા અને તે અંગેની જાણકારી કંટ્રોલરૂમમાં અપાઈ જાય તે મુજબની કામગીરી, રામપુરા ઘાટ, શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ તથા રેંગણઘાટ સહિત સમગ્ર પરિક્રમાના રૂટ પર યાત્રાળુઓની સુવિધા માટે નિયત સ્થળો તેમજ યોગ્ય અંતરે રૂટ પર મંડપ, કંટ્રોલરૂમ, બાથરૂમ, શૌચાલય, બેબીફીડીંગ રૂમ, માટેના રૂમની વ્યવસ્થા, સહિતના સાઈનબોર્ડ રાખવાની કામગીરી. આરોગ્ય બુથ, પાણીની વ્યવસ્થાના, યોગ્ય જગ્યાએ ફાયર એક્સ્ટીન્ગ્યુશર, સીસીટીવી, નર્મદા નદી તથા ઘાટને આવરી લે તે મુજબ યોગ્ય ફ્લડ લાઈટની વ્યવસ્થા અંગેની કામગીરી, જેવી સુવિધા સૂચક સાઈનબોર્ડની વ્યવસ્થા, SDRF /NDRF ની ટીમો હાજર રાખવા જરૂરી કામગીરી એજન્સીની મદદથી નોડલ અધિકારીના સંકલનમાં રહી તમામ આનુષંગિક કામગીરી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રંશાત સુંબે, નાયબ વન સંરક્ષક નિરજકુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, સુપર ન્યુમિરી નાયબ કલેકટર સુશ્રી પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ, નાયબ કલેકટરશ્રી પ્રોટોકોલ એન.એફ. વસાવા, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી ડો.કિશનદાન ગઢવી, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારી, તિલકવાડા મામલતદાર સહિત સંબંધિત અધિકરીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયએ જિલ્લાના સંબંધિત સંકલન અધિકારીશ્રીઓને જણાવ્યું કે, નર્મદા પરિક્રમા દરમ્યાન લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર હોવાથી તમામ પ્રકારની કામગીરી સુપરવિઝન/નોડલ અધિકારીશ્રીઓના સંકલનમાં કાળજીપૂર્વક/વ્યવસ્થિત તેમજ આદર્શ આચારસંહિતાને અનુરૂપ કામગીરી થાય તે સુનિશ્વિત કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વહીવટી તંત્રની બેઠક બાદ કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયએ નર્મદા કિનારે આવેલા આશ્રમના સંચાલકો-સાધુ સંતો પૈકી નર્મદા પરિક્રમાના આયોજક શ્રી સાંવરિયા મહારાજ, જ્યોતિમઠના શ્રી રણજીત સ્વામી, સ્વામી સહજાનંદ મહારાજ, ધર્મદાસજી મહારાજ, રામાનંદ આશ્રમના અમિતાબહેન, આનંદદાસ મહારાજ સહિત આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં સૌએ તંત્રદ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાનો આભાર માની સંતોષ વ્યકત કર્યો હતો અને જિલ્લા કલેકટર દ્વારા આપવામા આવેલા સહકાર બદલ અભિનંદન સાથે રાજીપો વ્યકત કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવએ સ્વૈચ્છિક સંસ્થાના સંકલનમાં રહીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. અને સૌ સાથે મળીને પરિક્રમાને પ્રારંભથી અંત સુધી સહયોગ આપી સંપન્ન કરીએ તેવી અભિલાષા વ્યકત કરી હતી.
બોકસ:-
સમગ્ર નર્મદા પરિક્રમા દરમિયાન મુખ્ય ચાર ઘાટ રામપુરા ઘાટ, શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ, રેંગણ ઘાટ ખાતે વિવિધ કર્મચારીઓની મદદથી ૨૪ કલાક યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની કામગીરી કરવા અને કંટ્રોલ રૂમ (ડિઝાસ્ટર શાખા, કલેક્ટર કચેરી નર્મદા)- ટેલી.નં. ૦૨૬૪૦-૨૨૪૦૦૧ આ અંગે આ નંબર પર જાણ કરી શકાશે.
આગામી તા. ૮મી એપ્રિલથી ચાલુ થનારી માં નર્મદાની પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાની તડામાર તૈયારીઓ ચાલુ કરી કામગિરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની આગેવાનીમાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રામપુરા અને શહેરાવ ઘાટ ખાતે પરિક્રમાવાસીઓ માટે કાચા રસ્તાનું મરામત અને પતરાના શેડ બેરિકેટીંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.