રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ (PA) વિભવ કુમારને સમન્સ પાઠવ્યું છે. તેમના પર આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે.
મહિલા આયોગે જાતે સંજ્ઞાન લીધું
મહિલા આયોગે આ મામલાને જાતે જ સંજ્ઞાન લેતા વિભવ કુમારને 17 મેના રોજ સવારે 11 વાગે હાજર થવા નિર્દેશ આપ્યો છે. વિભવ કુમાર ગુરુવારે સવારે લખનઉ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ સાથે જોવા મળ્યા હતા. કેજરીવાલ I.N.D.I.A. ગઠબંધનના નેતાઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા લખનઉ પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે કેજરીવાલને સ્વાતિ માલીવાલ કેસ અંગે પ્રશ્ન પૂછ્યો તો કેજરીવાલે કોઈ જવાબ આપ્યો ન હતો. આ દરમિયાન કેજરીવાલ પણ વિભવ કુમાર સાથે કારમાં બેઠેલા જોવા મળ્યા હતા.
પંચે દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માગ્યો
આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખ્યો છે. આ પત્ર 13 મેના રોજ લખવામાં આવ્યો હતો. પંચે આ મામલે દિલ્હી પોલીસ પાસેથી ત્રણ દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સીએમના નિવાસસ્થાને તેમના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ આરોપો કેજરીવાલના નજીકના સહયોગી વિભવ કુમાર પર લગાવ્યા છે. પાર્ટીના નેતા સંજય સિંહે બાદમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વાતિ માલીવાલ સાથેની ઘટનાની નોંધ લીધી છે અને તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે.