નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ મીશન રોડ પરના એક કોમર્શિયલ કોમ્પલેક્ષમા નડિયાદ ફાયર વિભાગની ટીમે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ કોમ્પલેક્ષમા ફાયર સુવિધાઓનો અભાવ જોવા મળતા ફાયરની ટીમ દ્વારા તમામ દુકાનોના લાઈટ કનેક્શન કપાવ્યા હતા. આ ઉપરાંત ભોયરાંમાં આવેલુ જીમ પણ સીલ કરી નાખ્યુ હોવાનું જાણવા મળ્યું છે.
શુક્રવારે વહેલી સવારે નડિયાદના મીશન રોડ પર ચર્ચની સામે એફ. કે. ઓર્ચીડ નામના મોટા કોમ્પલેક્ષમાં આજે વહેલી સવારે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. જ્યાં આ કોમ્પલેક્ષમાં ફાયર સુવિધાનો અભાવ હોય અને લાંબા સમયથી નોટીસો આપી અને તાકીદ કરવા છતાં કોઈ કોમ્પલેક્ષ માલિક દ્વારા અત્રે ફાયર સુવિધા ઉપલ્બ્ધ ન કરવામાં આવી હોવાથી આજે ફાયર વિભાગની ટીમે અંતે કોમ્પલેક્ષમાં પહોંચી અને વીજ વિભાગના કર્મચારીઓને સાથે રાખી તમામ કોમર્સિયલ દુકાનોના વીજ કનેક્શન કપાવી નાખ્યા છે.
આ સાથે જ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં બનાવવામાં આવેલા જીમને પણ સીલ કરી નાખવામાં આવ્યુ છે. લાંબા સમય બાદ ફાયર વિભાગે કામગીરી કરી છે. ફાયર વિભાગ દ્વારા અચાનક કરવામાં આવેલી કાર્યવાહીથી અહીંયા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ બાબતે નડિયાદ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું કે, આજે આ કામગીરી હાથ ધરાઈ હતી. ફાયર સેફ્ટીને લઈને અભાવ જોવા મળતા અમે 3 વખત નોટીસો આપી હતી અને ચોથી વખત સીલ કરવાની નોટીસ આપ્યા બાદ આજે તમામ દુકાનો સીલ કરાઈ છે વધુમાં તેમણે જણાવ્યું કે, પાછળ રેસીડેન્સીયલ ઘર પણ હોય ગટર કનેક્શન પણ કાપી દેવાયા છે. નડિયાદમાં આવી અનેક કોમર્શિયલ કોમ્પલેક્ષો છે જેમાં આવનાર દિવસો દરમિયાન કામગીરી થનાર છે. આ મામલે નોટિસો પણ આપી દેવામાં આવી છે.