મણિપુરથી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુરૂવારે (29 ઓગસ્ટ) સાંજે મૈતઈ પ્રભુત્વ ધરાવતા ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં યુનાઇટેડ કમિટી મણિપુર (UCM) કાર્યાલયના પરિસરમાં અજાણ્યા બદમાશોએ બે બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. આટલું જ નહીં પરંતુ ફાયરિંગ પણ કર્યું હતું. મણિપુરમાં અમુક અંશે શાંતિ પાછી આવી છે પરંતુ છૂટાછવાયા ગોળીબાર અને બોમ્બ ધડાકાની ઘટનાઓ હજુ પણ જોવા મળી રહી છે. જેને લઈ લોકો હજુ પણ આનાથી ડરે છે.
આ ઘટના ગુરુવારે રાત્રે 8 વાગ્યે બની હતી. યુનાઇટેડ કમિટી મણિપુરનું કાર્યાલય ઇમ્ફાલ પશ્ચિમના લેમફેલપત વિસ્તારમાં સ્થિત છે. બોમ્બ ધડાકા અને ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી. બોમ્બ ધડાકાની માહિતી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બદમાશો ફોર વ્હીલરમાં આવ્યા હતા અને હુમલો કર્યા પછી તરત જ ભાગી ગયા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઓફિસ કોમ્પ્લેક્સની દિવાલ પર બુલેટના નિશાન દેખાતા હતા. પરંતુ વિસ્ફોટોમાં વધુ નુકસાન થયું નથી. બોમ્બનો પ્રકાર અને વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જાણવા માટે નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. અમે હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
શું છે UCM, જેની ઓફિસ પર હુમલો થયો હતો?
UCM એ Meitei સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી નાગરિક સમાજ સંસ્થાઓનું એક મંચ છે. તે મણિપુરના વિભાજનની માંગ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. ગયા વર્ષે મેમાં મૈતઈ-કુકી સંઘર્ષ શરૂ થયા બાદ UCM ઓફિસ પર આ પ્રકારનો બીજો હુમલો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અજાણ્યા બદમાશોએ ઓફિસને આગ લગાવી દીધી હતી.