ભારતીય રેલ્વે તેના મુસાફરોની સુવિધા વધારવા માટે તેની ટ્રેનોને સતત અપડેટ કરી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ હવે ટૂંકા અંતરે આવેલા બે શહેરો વચ્ચે ‘વંદે મેટ્રો’ ટ્રેન દોડાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતના અમદાવાદ અને કચ્છના ભુજ વચ્ચેની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. તેથી ટૂંક સમયમાં ગુજરાતમાં કેટલાક લાંબા રૂટ પર ‘વંદે મેટ્રો’ શરૂ થાય તેવી શક્યતા છે.વંદે મેટ્રોમાં આ સુવિધાઓ ઉપલબ્ધ થશે
આધુનિક સુવિધાઓથી સજ્જ વંદે મેટ્રો ટ્રેનની મહત્તમ ગતિ મર્યાદા 100 થી 200 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહેશે. 3 x 3 બેન્ચ-પ્રકારની બેઠક વ્યવસ્થા મહત્તમ મુસાફરોને આરામદાયક મુસાફરીનો આનંદ માણવામાં મદદ કરશે. વંદે મેટ્રો કોચમાં ઈમરજન્સીની સ્થિતિમાં ટ્રેન ડ્રાઈવર સાથે વાત કરવા માટે ટોક બેક સિસ્ટમ હશે. દરેક કોચમાં 14 સેન્સર સાથે ફાયર અને સ્મોક ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે જેથી ટ્રેનમાં કોઈ પણ પ્રકારનો ધુમાડો નીકળે તો તેને તરત ઓળખી શકાય. વિકલાંગ લોકોની સુવિધા માટે, કોચમાં વ્હીલ-ચેર સુલભ શૌચાલયની પણ સુવિધા હશે.આ ટ્રેન કયા રૂટ પર દોડશે તે હજુ સ્પષ્ટ નથી.
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રેલવે મંત્રાલયના નિર્ણય બાદ નક્કી કરવામાં આવશે કે વંદે મેટ્રો ટ્રેન કયા રૂટ પર દોડશે, પરંતુ કદાચ પીએમ મોદીના જન્મદિવસ (17 સપ્ટેમ્બર) પર ગુજરાતને વંદે મેટ્રોની નવી ભેટ મળે તેવી શક્યતા છે. જેના કારણે લાંબા અંતર પર તેનું ટ્રાયલ રન કરવામાં આવી રહ્યું છે.