વાયુસેનાના વડા તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહની નિમણૂક કરવામાં આવી છે. એ સાથે જ ભારતીય સેનાની ત્રણે પાંખ સંબંધિત એક અનોખો સંયોગ સર્જાયો છે.
શું છે સંયોગ?
એર માર્શલ અમર પ્રીત સિંહના નામની એરફોર્સના આગામી સુકાની તરીકેની જાહેરાત થતાં જ કંઈક એવું બન્યું છે, જે ભૂતકાળમાં ક્યારેય નહોતું બન્યું, અને તે એ છે કે, દેશની ત્રણ સૈન્ય પાંખના વડા એકબીજાના કોર્સમેટ્સ અને ક્લાસમેટ્સ છે. ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એર માર્શલ અમર પ્રીત સિંઘ ‘નેશનલ ડિફેન્સ એકેડેમી’ના 65 મા કોર્સમાં સાથે ભણ્યા હતા. તેઓ 1983માં ત્યાંથી પાસ આઉટ થયા હતા. બીજી તરફ જનરલ દ્વિવેદી અને ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી મધ્ય પ્રદેશમાં રીવામાં આવેલી સૈનિક સ્કૂલમાં ક્લાસમેટ્સ હતા. ભારતીય સૈન્ય દળોમાં અગાઉ આવો સંયોગ ક્યારેય નહોતો સર્જાયો.
ત્રણે વડાની નિમણૂક છેલ્લા પાંચ મહિના દરમિયાન જ થઈ છે. એડમિરલ ત્રિપાઠીએ 30 એપ્રિલ, 2024 ના દિવસે નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, જ્યારે જનરલ દ્વિવેદીએ 31 જુલાઈએ થળસેનાનો કાર્યભાર સંભાળ્યો હતો. એર માર્શલ એ.પી. સિંહ 30 સપ્ટેમ્બરથી વાયુસેનાનો કાર્યભાર સંભાળશે. તેઓ વર્તમાન એરફોર્સ ચીફ વિવેક રામ ચૌધરીનું સ્થાન લેશે.
સારા સંબંધોથી થશે ફાયદો
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને એર માર્શલ એ.પી. સિંહ ખૂબ સારા મિત્રો છે. એના લીધે સેનાની ત્રણે પાંખ વચ્ચે સુમેળભર્યો તાલમેલ સધાશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણના નેતૃત્વમાં દેશના સંરક્ષણ દળો માટે થિયેટર કમાન્ડ બનાવવા બાબતે કામ ચાલી રહ્યું છે, એવામાં ત્રણે સેનાના વડાઓ વચ્ચેની ગાઢ મિત્રતા એમાં વધુ મદદગાર સાબિત થશે.
વાયુસેનાના આગામી વડાની સિદ્ધિ
– 27 ઓક્ટોબર, 1964ના રોજ જન્મેલા એર માર્શલ અમર પ્રીત સિંહને ડિસેમ્બર 1984માં ફાઈટર એરક્રાફ્ટ પાઈલટ તરીકે એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે લગભગ 40 વર્ષ સુધી વિવિધ કમાન્ડ અને સ્ટાફમાં સેવા આપી છે.
– તેમની પાસે પાંચ હજાર કલાકથી વધુ ઉડ્ડયનનો અનુભવ છે.
– ભારતીય સૈન્ય વતી તેઓ વિદેશમાં પણ સેવા આપી ચૂક્યા છે.
– તેમને 2019માં ‘અતિ વિશિષ્ટ સેવા મેડલ’ અને 2023માં ‘પરમ વિશિષ્ટ સેવા મેડલ’થી નવાજવામાં આવ્યા છે.
– તેઓ સ્ક્વોશ રમવાના શોખીન છે.
આવા પડકાર છે નવા ચીફ સામે
– એરફોર્સ ચીફ તરીકે અમર પ્રીત સિંહની પ્રાથમિકતાઓમાં નવા ફાઇટર એરક્રાફ્ટની ખરીદી રહેશે.
– હવાઈ દળના આધુનિકીકરણની દિશામાં પણ એમણે કામ કરવું પડશે.
– પડોશી દેશ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પરના પડકારોનો સામનો પણ એમણે કરવો પડશે.
– વાયુસેનાના ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યા સત્તાવાર રીતે 42 થી ઘટીને 30 જેટલી થઈ ગઈ છે. તેથી એ બાબતે પણ એમણે ઘટતું કરવું પડશે.