મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં હવે ઈરાને ઈઝરાયેલ પર ૨૦૦થી વધુ મિસાઈલો છોડતા વૈશ્વિક વાતાવરણ તંગ બન્યું છે. ઈરાનના આ હુમલાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે તેવી આશંકા પ્રવર્તી રહી છે. ઈરાને ચેતવણી આપી છે કે આ માત્ર ટ્રેલર હતુ અને જો ઈઝરાયેલ સામે પલટવાર કરશે તો વધારે ખુમારી માટે તૈયાર રહેવું પડશે. તો સામે પક્ષે ઈઝરાયેલે પણ ઈરાનને જડબાતોડ જવાબ આપવાની નેમ ઉચ્ચારતા સોનામાં આજે સેફ-હેવન સ્વરૂપની ફંડોની લેવાલી જોવા મળી હતી. બીજી તરફ વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવ ઝડપી ઉછળ્યા હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ બજારો પર અસર દેખાઈ હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૮૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૮૨૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૦ હજાર રહ્યા હતા. દરમિયાન વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના નીચામાં ૨૬૪૪થી ૨૬૪૫ તથા ઉંચામાં ભાવ ૨૬૬૩થી ૨૬૬૪ થઈ ૨૬૫૧થી ૨૬૫૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
ભારતીય માર્કેટ આજે ૨જી ઓક્ટોબરના રોજ બંધ છે પરંતુ ૧લી તારીખે રાત્રે થયેલા હુમલાની અસરમાં વૈશ્વિક માર્કેટમાં ક્રૂડના ભાવમાં ૫ ટકાનો કરંટ આવ્યો હતો અને સોના-ચાંદીમાં પણ તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. સોના-ચાંદી બુધાવરે સુસ્તીમાં ટ્રેડ કરી રહ્યાં હતા પરંતુ ક્રૂડના ભાવ આજે બીજા દિવસે પણ ૨-૩ ટકા ઉંચકાયા છે. એક સપ્તાહ અગાઉ જ ક્રૂડ મે, ૨૦૨૩ બાદના સૌથી નીચલા લેવલે ૬૮-૬૯ ડોલરની આસપાસ ગગડયું હતુ અને હવે આ ચિંતામાં વધારો થતા એકાએક ૧૦ ટકાથી વધુની તેજી જોવા મળી છે.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી ૪થી ૫ ટકા ઉછળતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પોઝીટીવ દેખાઈ હતી. વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ ૭૧.૦૦ વાળા ઉંચામાં ૭૬.૧૪ થઈ ૭૫.૯૨ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૭.૪૦ વાળા ઉંચામાં ૭૨.૪૯ થઈ ૭૨.૩૧ ડોલર રહ્યાના સમાચાર હતા.
ઈરાન-ઈઝરાયલની તંગદીલી વચ્ચે તંગદીલી વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડતેલનો પુરવઠો રુંધાવાની ભીતિ વચ્ચે બજારભાવ સ્પ્રિંગની જેમ ઉછળ્યાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની મિટિંગ પર પણ બજારની નજર હતી. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૪થી ૧૫ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું. જો કે ત્યાં ગેસોલીનના સ્ટોક ૯ લાખ ૯ હજાર બેરલ્સ વધ્યાના સમાચાર ેહતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી વધી જતાં રૂપિયો ગબડતો જોવા મળ્યો હતો. ડોલરના ભાવ રૂ.૮૩.૮૨ વાળા આજે વધી રૂ.૮૪ની સપાટીને આંબી ગયાની ચર્ચા બજારમાં સંભલાઈ હતી. રૂપિયો ગબડતાં તથા ડોલર ઉંચકાતાં તેની અસર પણ ઝવેરી બજાર પર તેજીની પડયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૯૪થી ૯૯૫ વાળા નીચામાં ૯૮૬ તથા ઉંચામાં ૧૦૦૧ થી ૧૦૦૨ થઈ ૯૯૮થી ૯૯૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૧૦૦૪થી ૧૦૦૫ વાળા નીચામાં ૯૯૯ તથા ઉંચામાં ૧૦૧૭ થઈ ૧૦૧૩થી ૧૦૧૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૭ ટકા પ્લસમાં રહ્યા હતા.
બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૫૨૧૩ વાળા રૂ.૭૫૫૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૭૫૫૧૫ વાળા રૂ.૭૫૮૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૯૮૮૨ વાળા રૂ.૯૦૭૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૧.૪૦થી ૩૧.૪૧ વાળા નીચામાં ૩૧.૦૦ તથા ઉંચામાં ૩૧.૫૮ થઈ ૩૧.૪૭થી ૩૧.૪૮ ડોલર રહ્યા હતા.
મોંઘવારી ફરી માજા મૂકે તેવા સંકેત
ક્રૂડના કારણે અનેક દેશોનું ગણિત ખરાબ થઈ શકે છે અને ખાસ કરીને ભારત જેવા ટોચના ક્રૂડ ઓઈલ આયાતકાર દેશોની હાલત આવી સ્થિતિમાં ખૂબ જ કફોડી બની જાય છે. અમેરિકામાં તાજેતરમાં મોંઘવારી કાબૂમાં રહેતા વ્યાજદર કાપની શરૂઆત થઈ હતી અને આગામી છ મહિનામાં વધુ બે વ્યાજદર ઘટાડાની આશંકા સેવાઈ રહી હતી. આ સાથે ભારતમાં પણ આગામી સપ્તાહે વ્યાજદરમાં ઘટાડાની શક્યતા નહિવત છે પરંતુ ડિસેમ્બરમાં વ્યાજદર ઘટાડાના સંકેત આરબીઆઈ તરફથી મળવાના સંકેત હતા. જોકે મધ્યપૂર્વની આ તંગદિલીભરી સ્થિતિમાં હવે આરબીઆઈની આગામી ચાલ અંગેના સંકેતો પર પણ સૌની નજર મંડાયેલી રહેશે.