ભારત હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ સમાજે ભાષા, જાતિ અને પ્રાદેશિક મતભેદો દૂર કરીને એક થવું પડશે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ભારતની વૈશ્વિક ખ્યાતી અને પ્રતિષ્ઠા તેના મજબૂત રાષ્ટ્ર હોવાના કારણે છે. કોઈપણ દેશના પ્રવાસીઓની સુરક્ષાની ખાતરી ત્યાર જ હોય જ્યારે તેમની માતૃભૂમિ શક્તિશાળી હોય. અન્યથા એક નબળા રાષ્ટ્રના પ્રવાસીઓને હાંકી કાઢવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આરએસએસની કામ કરવાની પદ્ધતિ યાંત્રિક નહીં વૈચારિક છે.
રાજસ્થાનના બારાંના ધાન મંડી મેદાનમાં આયોજિત સ્વયંસેવક એકત્રીકરણ કાર્યક્રમમાં સ્વયંસેવકોને સંબોધન કરતાં તેમણે કહ્યું કે આપણે અહીં અનાદી કાળથી નિવાસ કરીએ છીએ. ભલે હિન્દુ નામ પાછળથી આવ્યું હોય. હિન્દુ શબ્દનો ઉપયોગ ભારતમાં રહેતા બધા જ સંપ્રદાયો માટે કરવામાં આવે છે. હિન્દુ બધાને પોતાના માને છે અને બધાને ગળે લગાવે છે. હિન્દુ કહે છે કે અમે અને આપણે બંને પોત-પોતાની જગ્યાએ સાચા છીએ. હિન્દુ સતત સંવાદના માધ્યમથી સામંજસ્યપૂર્ણ રૂપે સહ-અસ્તિત્વમાં વિશ્વાસ રાખે છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, હિન્દુ સમાજે ભાષા, જાતિ અને પ્રાદેશિક અસમાનતાઓ અને સંઘર્ષોને ખતમ કરીને પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. આપણે એવા સમાજનું નિર્માણ કરવું પડશે જ્યાં સંગઠન, સદ્ભાવના અને પરસ્પર શ્રદ્ધા હોય. લોકોના આચરણમાં શિસ્ત, રાજ્ય પ્રત્યે જવાબદારી અને ઉદ્દેશ્યો પ્રત્યે સમર્પણ હોય. તેમણે કહ્યું કે, સમાજની રચના માત્ર વ્યક્તિઓ અને તેમના પરિવારોથી નથી થતી. સમાજની વ્યાપક ચિંતાઓ પર વિચાર કરીને કોઈપણ વ્યક્તી આધ્યાત્મિક સંતુષ્ટી પ્રાપ્ત કરી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આરએસએસનું કામ યાંત્રિક નહીં પરંતુ વૈચારિક છે. સમાજના નિર્માણ માટે આરએસએસ જેવા પ્રયત્નો કરનારું દુનિયામાં બીજું કોઈ સંગઠન નથી. સમુદ્ર જેમ અદ્વિતિય છે, તેમ આકાશ પણ અદ્વિતિય છે અને તે જ રીતે આરએસએસ પણ અતુલનીય છે. આરએસએસના મૂલ્ય પહેલા સંગઠનના નેતાઓ સુધી પહોંચે છે, તેમના સ્વયંસેવકો સુધી અને સ્વયંસવેકોથી પરિવારો સુધી પહોંચે છે અને છેવટે સમાજને આકાર આપે છે. આરએસએસમાં વ્યક્તિત્વ નિર્માણની આ જ પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે, સમાજે સશક્ત બની સામુદાયિક ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સામાજિક સમરસતા, ન્યાય, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વાવલંબન પર ભાર મૂક્યો હતો.