ખેડા જિલ્લાના વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આવતીકાલે 16 ઓક્ટોબરને બુધવારના રોજ રાત્રીના 7થી 11 કલાક દરમ્યાન ધામધૂમથી શરદોત્સવ-રાસોત્સવ યોજાશે. સુરત કલાકુંજના ગુણાતીત ગ્રુપ દ્વારા પૂર્ણીમાની રાત્રે સંગીતના સથવારે રાસની રમઝટ બોલાવાશે.
વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શરદપૂર્ણિમાએ હિન્દુઓનો પવિત્ર તહેવાર છે. આસો માસની પૂર્ણીમાને શરદ પૂર્ણિમા, રાસ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા કે વાલ્મીકી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. કૌમુદીની પૂર્ણિમાએ ચંદ્ર સોળે કળાએ ખીલે છે. ચંદ્રની ચાંદનીમાંથી અમૃત વરસે છે. પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો પૃથ્વી પર રેલાય છે. ત્યારે શીતળતાનો અદભુત અનુભવ થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણને રાસોત્સવ અતિ પ્રિય હતો. શ્રીજી મહારાજના સમકાલીન પરમ ભક્ત પંચાળાના ઝીણાભાઇ દરબારની ભક્તિને વશ થઇ શ્રીજી મહારાજે પંચાળામાં સંતો અને ભક્તો સાથે રાસોત્સવ ઉજવ્યો હતો.