ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં શરદપૂર્ણિમાની ઉજવણી કરાઇ, જેમાં ગતરોજ સૌપ્રથમ વખત રાસોત્સવનું આયોજન મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું હતું. કાળિયા ઠાકોરની ભૂમિ ડાકોરમાં વૈષ્ણવ ભક્તો રાસ રમી ભગવાનની ભક્તિમાં લીન બન્યા હતા. વિશ્વવિખ્યાત કલાકાર સદાશીવ દવે તથા સ્મૃતી દવે તથા શીવનાદ વૃંદના સથવારે આ રાસોત્સવની ઉજવણી કરાઇ હતી.
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં શરદોત્સવની ઉજવણી કરાઈ, ત્યારે આ વખતે વિશેષ રૂપે સૌપ્રથમ વખત મંદિર પરિસરમાં ભવ્ય મહારાસનું આયોજન કરાયું, જેમાં ભાવિકો સહિત દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં રાસ, ગરબામાં જોડાયા હતા. ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીજનોનો વ્રજભુમિમાં રચવામાં આવેલ મહારાસને યાદ કરી સૌ ભક્તજનો ગોપીભાવ સાથે ભગવાન શ્રીકૃષ્ણ-રાજાધીરાજ રણછોડરાયજી મહારાજના સાનીધ્યમાં આ રાસોત્સવમાં સહભાગી થયા હતા.