રામકથા ગાન દ્વારા સામાજિક સમરસતા સાથે રાષ્ટ્રીય પ્રેમ માટે મોરારિબાપુ પ્રેરક કથા પ્રસંગો અને સંદેશાઓ શ્રોતાઓ અને સમાજને આપતાં રહ્યાં છે. મોરારિબાપુ દ્વારા કથા વંદના સાથે રાષ્ટ્રભૂમિને પ્રથમ વંદના થતી રહી છે.
આપણે જાણીએ છીએ કે, ધાર્મિક આયોજનો કે ઉત્સવોમાં ધજા પતાકા ફરકાવતા હોય છે, પણ તે તેમના ધર્મ કે સંપ્રદાય સાથેના પ્રતીકો અને તેવા ભગવા સફેદ કે કાલા લીલા વગેરે રંગોમાં હોય છે, તે પણ સ્વાભાવિક છે…પરંતુ, મોરારિબાપુ દ્વારા થયેલાં નિર્ણય મુજબ કથા મંડપના પ્રવેશ ભાગ ઉપર સૌથી પહેલા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે. કથા વંદના સાથે આ રીતે રાષ્ટ્રભૂમિને પ્રથમ વંદના થતી રહી છે. મહુવા પાસેનાં કાકીડી ગામે ચાલતી રામકથામાં પ્રવેશ પાસે જ વિશાળ તિરંગો ફરકી રહ્યો છે.
મોરારિબાપુનાં વ્યાસાસને યોજાતી રામકથાનાં પહેલાં દિવસે જ કથા આયોજકો, કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રગીત સાથે ધ્વજ વંદના કરવામાં આવે છે. દરેક રામકથાના પ્રારંભે રાષ્ટ્ર ધ્વજ તિરંગો ફરકતો ફરકતો રાષ્ટ્ર ધર્મનો મહિમા દર્શાવી જાય છે.
રામકથામાં પણ મોરારિબાપુ ભારત માતાના ગૌરવને ભૂલતા નથી. રાષ્ટ્ર પ્રેમ, ગાંધી મૂલ્યો સાથે ભારતીય સંસ્કૃતિ માટે સતત પ્રહરી રહ્યા છે. પોથીજી સાથેના વસ્ત્રો પણ ખાદીના જ રાખે છે. માત્ર ધર્મ કે સંપ્રદાયવાદ નહિ પણ રાષ્ટ્ર સાથે વૈશ્વિક ભાવના સાથેની રામકથા એટલે જ સનાતન રાષ્ટ્રની રાષ્ટ્રકથા, વિશ્વકથા અને માનવકથા લાગી રહી છે. બસ, સનાતન રાષ્ટ્રનો તિરંગો રાષ્ટ્રધ્વજ વિશ્વ વિજયી જ છે.!