એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં સંવેદનશીલ અને જરૂરિયાતમંદ સમુદાયોને તેમની આવશ્યક સરકારી કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તેવા આશય સાથે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી (ISRA) દ્વારા CMS ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લામાં “જન યોજના સેતુ” પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં શરૂ કરવામાં આવનાર છે. જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં નાંદોદ તાલુકાના પાટણા ગામેથી તા.૧૩ નવેમ્બર, બુધવારના રોજ આ પહેલનો પ્રારંભ કરવામાં આવનાર છે.
નર્મદા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટના રૂપે આગામી વર્ષમાં અંદાજે ૩૬ હજારથી વધુ નાગરિકો સુધી પહોંચવાના લક્ષ્યાંક સાથે ISRAની આગેવાની હેઠળની આ સામાજિક સુરક્ષા પહેલ કાર્ય કરશે. જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને સંસ્થાની ટીમ અને નવીન મોબાઇલ એપ્લિકેશન દ્વારા સમુદાયો અને મહત્વપૂર્ણ સામાજિક કલ્યાણના કાર્યક્રમો વચ્ચે મુશ્કેલીઓ- અંતરાયો દૂર કરીને ખૂટતી કડીને જોડીને અંતરને દૂર કરવાનો તથા નાગરિકોને વધુ સુરક્ષિત ભવિષ્ય માટે સંસાધનો અને સમર્થન સાથે તેમનું સશક્તિકરણ કરવાનો આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ રહેલો છે. આ પરિવર્તનકારી પહેલ નર્મદા જિલ્લાના નાગરિકોની જનભાગીદારીને મજબૂત કરશે અને રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને છેવાડાના લોકો સુધી લઈ જવામાં જમીનપર ઉતારવામાં સિમાચિહ્નિત રૂપ સાબિત થશે તેવો આશાવાદ ISRA દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.