આવકવેરા ખાતાએ તાજેતરમાં જ એક પરિપત્ર કરીને રિફંડ માટે ક્લેમ મૂકવા માટેની પ્રોસિજર પૂરી કરવા માટેની સમય મર્યાદા છ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષની કરી દીધી છે. જે તે નાણાંકીય વર્ષના રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ પછીના પાંચ વર્ષ સુધી જૂના રિટર્નના રિફંડ માટે દાવો કરી શકાશે. ત્યારબાદ કરદાતાએ તેમના રિફંડના નાણાં ગુમાવી દેવા પડશે. અત્યાર સુધી જૂના રિફંડ ક્લેમ કરવા માટે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ જાય તો પણ છ વર્ષ સુધીનો સમય આપવામાં આવતો હતો. રિફંડના જૂના કેસો ઘટાડી દેવા માટે સરકારે સમયમાં ઘટાડો કરતો પરિપત્ર કર્યો છે.
જૂના પેન્ડિંગ કેસોમાં ઘટાડો કરવા લેવાયો નિર્ણય
રિફંડના જૂના પેન્ડિંગ કેસો ઘટાડવા, કરદાતા સમયસર ટેક્સ ભરે અને સમયસર રિફંડ ક્લેમ કરે તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે પરિપત્ર જાહેર કર્યો છે. નાણાં મંત્રાલયે બહાર પાડેલા પ્રસ્તુત પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આવકવેરા ધારાની કલમ 119(2)(બી) હેઠળ નુકસાની સરભર કે સેટઓફ કરવા માટે કે કેરી ફોરવર્ડ કરવા માટે અથવા તો રિફંડનો ક્લેમ મૂકવા માટે અરજી કરવા માટેની સમય મર્યાદામાં ઘટાડો કર્યો છે. આ સંદર્ભમાં એટલે કે ડિલે કોન્ડોન કરવાના સંદર્ભમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રોને રદ બાતલ કરી દેવામાં આવ્યા છે. રિફંડ ક્લેમ કરવા માટે કરદાતાએ વધુ ચોકસાઈ સાથે વિગતો રજૂ કરવી પડશે. રિફંડ ક્લેમ કરવા માટે હવે છ ને બદલે પાંચ વર્ષનો જ સમય મળશે.